ભોપાલ: મધ્ય પ્રદેશના બુંદેલખંડમાં આવેલા નિવાડી જિલ્લામાં હાથીવર ખિરક નામનું એક ગામ છે. આ ગામની વિશેષતા એ છે કે અહીં છેલ્લાં 39 વર્ષમાં એક પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. હાથીવર ખિરક ગામ પૃથ્વીપુર થાણાની હદમાં આવે છે. ગામમાં છેલ્લાં 39 વર્ષથી એક પણ એવો ગુનો બન્યો નથી કે જેની પોલીસમાં ફરિયાદ કરવી પડે. નાના-મોટા વાદ-વિવાદો પંચાયતની સમજાવટથી જ ઉકેલવામાં આવે છે.
ગામનો વર્ષો જૂનો વણલખ્યો નિયમ છે કે વાદ-વિવાદ નાનો હોય કે મોટો, ગમેતેવી માથાકૂટ થઇ હોય, પણ પોલીસ સ્ટેશને ન જવું. એના બદલે આગેવાનો પાસે જઈને ઉકેલ લઈ આવવો. આ કારણે પોલીસમાં ચાર-ચાર દશકાથી આ ગામના નામે એક એફઆઈઆર દર્જ થઈ નથી. તે એટલે સુધી કે એક જાણવાજોગ સુદ્ધાં પોલીસમાં નોંધાઈ નથી.
ગામલોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. મોટા ભાગે ગામના લોકો કામથી કામ રાખે છે. કોઈ મોટા વાદ-વિવાદો થતાં નથી. પોલીસને આ ગામમાં માત્ર ચૂંટણી બંદોબસ્ત વખતે જ આવવું પડે છે. નવી પેઢીએ તો પોલીસ સ્ટેશન જ જોયું નથી.
આ વિસ્તારના પોલીસ અધિકારી સંતોષ પટેલ કહે છે કે પોલીસ રેકોર્ડ તપાસતાં જણાયું હતું કે 1983માં આ ગામના એક યુવાનના નામે કેસ દાખલ થયો હતો, પરંતુ એમાં પણ ગામમાં કોઈ માથાકૂટ ન હતી. એ માથાભારે યુવાને બીજા કોઈ ગામમાં બીજા કોઈ સાથે વિવાદ કર્યો હતો અને કેસ થયો હતો. એ પછી એ યુવાન ગામ છોડીને બીજે રહેવા જતો રહ્યો હતો. એ પછી ગામની કોઈ જ ફરિયાદ દાખલ થઈ ન હતી.