ભોપાલ: મધ્ય પ્રદેશના મુરૈનામાં આવેલા એક મંદિરમાં બિરાજતા હનુમાનજીને રેલવે તંત્રે ગેરકાયદે જમીનમાં કબજો કરવા બદલ નોટિસ પાઠવી છે. એટલું જ નહીં, દિવસ સાતમાં એ જગ્યા ખાલી કરવાની તાકીદ કરી છે. રેલવેએ પાઠવેલી નોટિસની કોપી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ગ્વાલિયર-શ્યોપુરમાં બ્રોડગેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. એ રૂટમાં મુરૈના જિલ્લાના સબલગઢ તાલુકામાં એક હનુમાનજીનું મંદિર આવે છે. મંદિર રેલવેની જમીનમાં હોવાનો દાવો કરીને રેલવેના અધિકારીઓએ હનુમાનજીના નામે નોટિસ પાઠવી હતી અને સાત દિવસમાં જગ્યા ખાલી કરવાની તાકીદ પણ કરી છે.
નોટિસમાં કહેવાયું હતું કે જો હનુમાનજી સાત દિવસમાં રેલવેની જગ્યા ખાલી નહીં કરે તો કાયદેસર કાર્યવાહી થશે અને જેસીબીની મદદથી હનુમાનજીના ખર્ચે અને જોખમે જગ્યા ખાલી કરવામાં આવશે. એટલું જ નહીં, એનું બિલ પણ હનુમાનજી પાસેથી વસૂલ કરવામાં આવશે. હનુમાનજીને જે નોટિસ મોકલવામાં આવી છે, એની નકલ સ્ટેશન ઈન્ચાર્જ અને ગ્વાલિયરના અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.
સ્વાભાવિક છે કે રેલવે તંત્રના આ નોટિસ તિકડમની નકલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. હનુમાનજીને નોટિસ પાઠવનારા રેલવેના તંત્ર પર લોકોએ વ્યંગ કર્યા હતા. આ નોટિસ અંગે રેલવે અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે આ એક રૂટિન પ્રક્રિયા છે. રેલવે પોતાની જમીન ખાલી કરવા માટે આ રીતે નિયમિત નોટિસો પાઠવે છે.