નવી દિલ્હી: મનુની નગરી મનાલીમાં નવ ગામના લોકો દેવ આદેશમાં બંધાઈ ગયા છે. મકર સંક્રાંતિની સવારથી અહીં દેવ આદેશ લાગુ થઈ ગયો છે.
મૂળે કુલ્લૂ જિલ્લાના ગોશાલ ગામમાં માન્યતા છે કે ગામના આરાધ્ય દેવ ગૌતમ-વ્યાસ ઋષિ અને કંચન નાગ દેવતા આ દિવસોમાં તપસ્યામાં લીન થઈ જાય છે. દેવતાઓને શાંત વાતાવરણ મળી રહે તે માટે ઘોંઘાટ નહીં કરવા માટે કહેવામાં આવે છે. આ સંજોગોમાં ૪૨ દિવસ સુધી મંદિરમાં ન તો પૂજાઅર્ચન થશે અને ના તો ઘંટ વાગશે. આસપાસના ૮ ગામ પણ આ દસકાઓ જૂની આ પરંપરાનું પાલન કરશે.
આ નવેય ગામોમાં હવે ના તો રેડિયો વાગશે, અને ના તો ટીવી ચાલુ થશે. કુકરમાં પણ લોકો ખાવાનું નહીં રાંધે. સોમવારે માટી ચાળીને દેવતાની પિંડીમાં માટીનો લેપ લગાવવામાં આવ્યો હતો. હવે ૪૨ દિવસ બાદ દેવતા પરત ફરશે ત્યારે આ લેપ હટાવવામાં આવશે.
તો ચહેરા ખીલશે, નહીં તો...
દેવ આદેશના કારણે ઉઝી ઘાટીના નવ ગામ ગોશાલ ગામ સહિત કોઠી, સોલંગ, પલચાન, રૂઆડ, કુલંગ, શનાગ, બુરુઆ તથા મઝાચના લોકો લોહરીના બીજા દિવસ એટલે કે મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી કોઈ ઉત્સવનું આયોજન નહીં કરે. ખેતરોમાં કામ પણ નહીં કરે. દેવતાની પિંડી પર લગાવાયેલા લેપમાંથી કુમકુમ, કોલસો કે વાળ જેવી ચીજો નીકળવાનું ભલે બહારની દુનિયા માટે આશ્ચર્યજનક હોય, પરંતુ ઘાટીના લોકો માટે તો આ પરંપરા અને આસ્થાનો વિષય છે. લેપમાંથી કુમકુમ નીકળ્યું તો લોકો ખુશીથી ઝૂમી ઉઠશે. કુમકુમનો અર્થ છે વર્ષ દરમિયાન વધુ લગ્નો થશે. આથી ઉલ્ટું લેપમાંથી જો કોલસો કે વાળ નીકળશે તો લોકોના ચહેરા પર ચિંતાની લકીર ફરી વળશે. કેમ કે કોલસો આગની ઘટનાનો અશુભ સંકેત આપે છે અને વાળ લોકોને નુકસાન થવાનો સંકેત મનાય છે.
વિવિધ વસ્તુના વિવિધ અર્થ
માટીના લેપથી નીકળનારી વસ્તુના દેવ સમાજમાં વિવિધ અર્થ થાય છે. લોકોમાં એવી માન્યતા છે કે લેપમાંથી નીકળનારી ચીજો વર્ષની ઘટનાઓને સંકેત આપે છે. જેમ કે, ફૂલ: દિવસ શુભ હોવાનો સંકેત આપે છે • સફરજનના પાન: સફરજનનો પાક સારો થવાના સંકેત છે • કોલસો: આગની ઘટના બનવાના સંકેત આપે છે • • પથ્થર અને રેત-કાંકરીના ટુકડા: નદીમાં પૂર આવવાનો સંકેત આપે છે • મનુષ્યના વાળ: લોકોને નુકસાન પહોંચવાના સંકેત • ઘેટા-બકરીના વાળ: પશુઓને નુકસાન પહોંચવાના સંકેત આપે છે.