મલાણાઃ હિન્દુ ધર્મ પરંપરામાં ભલે ૩૩ કરોડ દેવી-દેવતાઓ હોય, પણ હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં આવેલા અંતરિયાળ ગામ જૂના મલાણામાં માત્ર ઋષિમુનિ અને મોગલ સમ્રાટ અકબરની પૂજા થાય છે. આ ગામના લોકો જમલુ ઋષિ અને અકબર સિવાય કોઈને પણ માનતા નથી. નવાઈની વાત તો એ છે કે આ ગામના લોકો પોતાને સિકંદરના સૈનિકોના વંશજો માને છે. અને તેમની વાતને સાવ નજરઅંદાજ કરવા જેવી પણ નથી, કેમ કે તેમની ભાષામાં ગ્રીક શબ્દો આવે છે.
મલાણા એકમાત્ર એવું ગામ છે જે ભારતમાં હોવા છતાં તેના રીતરિવાજો હિંદુસ્તાનના બીજા ગામોથી સાવ જુદા પડે છે. આ ગામના લોકોને પોતાના સદીઓ પુરાણા કાયદા અને પોતાના નિયમો છે. આ ગામના લોકો બહારના કોઇ પણ માણસને પોતાની વસ્તુને અડકવા દેતા નથી. આમ છતાં પણ જો વ્યક્તિ કોઇ વસ્તુને સ્પર્શે તો તેણે એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડે છે. આવી અનેક વિચિત્ર પરંપરાઓના કારણે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આ ગામની મુલાકાતે આવતા રહે છે.
મલાણા ગામના લોકોમાં એક માન્યતા એવી છે કે અકબર બાદશાહે આ ગામ પર કબજો જમાવવા કોશિષ કરી હતી, પરંતુ ગામના જમલુ ઋષિએ તેને સફળ થવા દીધો ન હતો. આ સમયે અકબરે જમલુ ઋષિની પણ પરીક્ષા કરવાની ભૂલ કરી હોવાથી નારાજ થયેલા જમલુ ઋષિએ દિલ્હીમાં ભારે હિમ વર્ષા કરાવી હતી. આ પછી અકબરે જમલુ ઋષિની માફી માગવા માટે ફરી મલાણા આવવું પડયું હતું.
સ્થાનિક લોકોમાં એક એવી પણ લોકકથા એવી પણ છે કે દિલ્હીમાં ભીક્ષા માંગી રહેલા બે સાધુઓના ભીક્ષાપાત્ર અકબરે પડાવી લીધું હતું. આથી જમલુ ઋષિએ અકબરના સપનામાં આવીને ભીક્ષાપાત્ર પાછું આપવા જણાવ્યું હતું. અકબરે જમલુ દેવતાના આ આદેશનું પાલન કરીને ભીક્ષાપાત્ર સાથે પોતાની સોનાની મૂર્તિ તૈયાર કરીને ભેટમાં આપી હતી. ગામના મંદિરમાં સ્થાપિત મૂર્તિ અકબઅકબરે આપેલી હોવાનું માનીને જ ગામ લોકો વર્ષમાં એક વાર મંદિર ખોલીને પૂજા કરે છે. આ પૂજાને ગામ સિવાયના બહારના લોકો જોઇના જાય તેની કાળજી રાખવામાં આવે છે.
આ માટે ખાસ ફાગલી નામનો ઉત્સવ ઉજવાય છે. જમલુ ઋષિ અને અકબરમાં ગામલોકો વિશ્વાસ ધરાવતા હોવાથી બધી જ જૂની પરંપરાનું પાલન કરે છે. મલાણા ગામની મહિલાઓ ત્રણ દિવસ સુધી રોજ સાંજે જમલુના પત્ની રેણુકાના દરબારમાં નૃત્ય કરે છે. કેટલાક જમલુ ઋષિ એ જ જમદઅગ્નિ ઋષિ હોવાનું પણ માને છે.