કોટ્ટાયમઃ મેઘરાજાની પધરામણીએ ચોમાસાએ કેરળના કોટ્ટાયમ જિલ્લાના મલારીક્કલ ગામને અદભુત સુંદરતા બક્ષી છે. ડાંગરની ખેતી પછી વરસાદના દિવસોમાં ખેતર તળાવમાં ફેરવાઈ જાય છે અને 650 એકરમાં ચોમેર માત્ર કમળ અને પિન્ક વોટર લીલી છવાયેલા નજરે પડે છે. સ્વર્ગ જેવું આ દશ્ય અહીંના લોકો માટે સામાન્ય હતું, પરંતુ 2019માં આવેલા કેટલાક પ્રવાસીએ અહીંનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને આ ગામના દરવાજા દેશના સમગ્ર લોકો માટે ખુલી ગયા. હવે અહીં દર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પ્રવાસીઓની ભીડ થાય છે.
ગામના લોકો કહે છે કે મીનાચિલર નદીના કિનારે વસેલું તેનું ગામ 2017 સુધી તો જાણે દેશ સાથે જોડાયેલું જ નહોતું. ત્યાં સુધી પુલ પણ બંધાયો નહોતો. હવે ફૂલોનું આ તળાવ બે મહિના માટે ગામની આવકનો મુખ્ય સ્રોત બન્યું છે. અહીં બોટિંગ, ફ્લાવર સેલિંગ, રેસ્ટોરન્ટ્સથી લઈને ફોટો સ્ટુડિયો જેવા કામ શરૂ થઈ ગયાં છે. ગામ નજીક આવેલી અંબાકુઝીમા હોટેલના માલિક અખિલ કૃષ્ણ કહે છે આ ગામ હવે સિઝનમાં દરરોજ સરેરાશ 50 પ્રવાસીઓનું સ્વાગત કરે છે. આ ફૂલોએ જાણે લોકોને નવું જીવન આપ્યું છે.
સ્થાનિક લોકોના મતે શ્રેષ્ઠ નજારો સૂર્યોદય સમયે જોવા મળે છે. ખલાસીઓ 100 રૂપિયા પ્રતિ વ્યક્તિના દરે બોટિંગ કરાવે છે. 50 વર્ષનો નાવિક બીજુ ટી.કે. કહે છે કે પર્યટનની શરૂઆત સાથે અમારું જીવન બદલાઈ ગયું. હવે અમે પ્રવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા કરીએ છીએ. ફૂલો વેચીએ છીએ, બોટિંગ કરાવીએ છીએ. હવે અમારું જીવન ઘણું સારું છે, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં.
પિન્ક વોટર લીલી ફેસ્ટિવલ
હવે રાજ્ય પ્રવાસન વિભાગ અને રિસ્પોન્સિબલ ટૂરિઝમ મિશન એમ્સ્ટર્ડમ ટ્યૂલિપ ફેસ્ટિવલની તર્જ પર પિન્ક વોટર લીલી ફેસ્ટિવલ શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. કોટ્ટાયમ જિલ્લામાં 15થી વધુ સ્થળોને એક ટૂરિસ્ટ સર્કિટમાં રૂપાંતરિત કરવાની યોજના છે.