ઉજ્જૈન: મહાશિવરાત્રિના પાવન પ્રસંગે મહાકાલની નગરીએ અયોધ્યાના રેકોર્ડને તોડી નાખ્યો છે. ક્ષિપ્રા નદીના પાવન કિનારા પર 18 લાખ 82 હજાર 229 દીવાથી ઝગમગી ઊઠ્યો હતો. ગયા વર્ષે દિવાળી પર અયોધ્યામાં 15 લાખ 76 હજાર દિવા પ્રગટાવીને રેકોર્ડ રચાયો હતો. સાથે જ ભગવાન મહાકાલના દરબારમાં ભવ્ય લેસર શોનું પણ આયોજન કરાયું હતું. આ અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય સૌંદર્યને નિહાળવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા. ગિનેસ બુક દ્વારા પણ દીવાની ગણતરી બાદ વર્લ્ડ રેકોર્ડની જાહેરાત કરાઇ હતી.
આ દરમિયાન સંપૂર્ણ રામઘાટ, દત્ત અખાડા ઘાટ, સુનહરી ઘાટ, ભુખી માતા ઘાટ, કેદારેશ્વર ઘાટ, જયશ્રી મહાકાલના ઉદઘોષથી ગુંજી ઊઠ્યો હતો. સાથે જ ભવ્ય આતશબાજી અને લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું. મહાશિવરાત્રિ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ બાબા મહાકાલના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.