ઔરંગાબાદ: આજે સગા ભાઇભાંડુઓ વચ્ચે પણ જમીનમાલિકીનો વિવાદ નવાઇની વાત નથી ત્યારે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના એક ગામમાં વાનરોના નામે 32 એકરની વિશાળ જમીન રજિસ્ટર થયેલી છે. જિલ્લાના ઉપલા ગામમાં સિમિયન રહેવાસીઓ વાનરો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. તેમના આંગણે આવેલા વાનરને તેઓ ખોરાક તો આપે જ છે પણ ગામમાં લગ્ન સહિતના માંગલિક પ્રસંગ હોય છે ત્યારે પૂરતા આદર સાથે મહેમાનનવાજી પણ કરાય છે.
ઉપલા ગ્રામ પંચાયતના જમીન નોંધણીના રેકોર્ડમાં નોંધ છે કે ગામની 32 એકર જમીન ત્યાં રહેતા તમામ વાનરોના નામે કરવામાં આવી છે. દસ્તાવેજોમાં એ બાબત સ્પષ્ટપણે દર્શાવાઇ છે કે આ તમામ જમીન વાનરોની માલિકીની છે, જોકે આ જોગવાઈ કોણે કરી અને ક્યારે કરી તેનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. ગામના સરપંચ કહે છે કે ભૂતકાળમાં કે અત્યારે, ગામમાં થતાં તમામ કાર્યક્રમોમાં વાનરો હિસ્સો રહ્યા છે.
આ ગામમાં લગભગ એકસો જેટલાં વાનરોનો વસવાટ કરે છે. જોકે, વાનરો કાયમ એકસ્થળે ન રહેતા હોવાથી તાજેતરના વર્ષોમાં તેમની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. વન વિભાગે વાનરોની માલિકીની જમીન પર વૃક્ષારોપણ કાર્ય કર્યું છે. આ જમીન પર એક ત્યજી દેવાયેલું ઘર પણ હતું જે હવે પડી ગયું છે.
ગામના સરપંચે જણાવ્યું કે ગામમાં લગ્નપ્રસંગ હોય કે અન્ય કોઇ પણ પ્રસંગ, સૌપ્રથમ વાનરોને ભેટ અપાય છે અને પછી જ વિધિ શરૂ થાય છે. અલબત્ત, હવે આ પ્રથાનું પાલન તમામ લોકો નથી કરતાં. સરપંચે એવું પણ કહ્યું હતું કે ગામમાં કોઈના પણ આંગણે કપિરાજ આવી ચડે તો તેઓ તેને ખોરાક અચૂક આપે છે. તેમને ખોરાક આપવાની કોઈ ઇન્કાર કરતું નથી.