લંડનઃ એન્ટાર્કટિકા પર વસેલું વિલા લા એસ્ત્રેલાસ ગામ ચિલીએ તેના રિસર્ચ સેન્ટરની નજીક ઊભું કર્યું છે. આ ગામમાં ૧૦૦ લોકો રહે છે, પણ માઇનસ ૪૭ ડિગ્રી સેલ્સિયસમાં. આ ગામમાં વસવાટ માટે વિજ્ઞાનીઓ, સૈનિકોને તેમના પરિવારજનો સાથે મોકલાય છે.
આ લોકો અહીં આવે છે, પોતાનું સંશોધન કાર્ય કે નિશ્ચિત મિશન પાર પાડે છે અને પ્રોજેક્ટ પૂરો થયે વતનમાં પરત ફરે છે. આ ગામમાં વસવાટ માટે આવતા લોકોએ એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું જરૂરી છે, કેમ કે ગામમાં કોઈ મોટી હોસ્પિટલ નથી. ગામમાં નાની બીમારીઓ માટે એક ડિસ્પેન્સરી છે, જ્યાં એક ડોક્ટર હાજર હોય છે. જોકે મોટી કે ગંભીર બીમારની સ્થિતિમાં સારવાર માટે દર્દીને એક હજાર કિલોમીટર દૂર મોટી હોસ્પિટલમાં લઇ જવો પડે છે.
ગામમાં બેન્ક, સ્કૂલ, પોસ્ટ ઓફિસ, જીમ તથા એર સ્ટ્રિપ પણ બનાવાઈ છે. ખાસ વાત એ છે કે આ એર સ્ટ્રીપ પર વિશ્વનું સૌથી મોટું માલવાહક લશ્કરી વિમાન હરક્યુલિસ નિયમિત લેન્ડીંગ કરે છે. એન્ટાર્કિટામાં ચિલી સિવાય પણ ઘણા દેશોએ પોતાના રિસર્ચ સેન્ટર બનાવ્યા છે.
મિશન પર આવતા વિજ્ઞાનીઓ, સૈનિકો તથા તેમના પરિવારોની સુવિધાઓનું પૂરું ધ્યાન રખાયું છે. ગામની નજીકમાં એક ચર્ચ છે, જ્યાં લોકો પ્રેયર કરવા જાય છે, બાળકો રમી શકે તે માટે ગામમાં એક પ્લે ગ્રાઉન્ડ પણ છે. જ્યાં તેમના માટે રમતગમતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે.