માણગાંવ કરે છે ડિજિટલ ઉપવાસ

રોજ સાંજે દોઢ કલાક ફોન-ટીવી બંધ

Thursday 09th March 2023 06:31 EST
 
 

મુંબઈ: માણસ શરીરમાંથી ઝેરી કચરો કાઢવા ખાણીપીણી બંધ કરીને ઉપવાસ કરે છે પણ મહારાષ્ટ્રના નાનકડા માણગાંવે ડિજિટલ ઉપવાસ શરૂ કર્યા છે. આધુનિક યુગના અનિવાર્ય ઉપકરણો મોબાઇલ ફોન અને ટીવી સહુ કોઇના દિલોદિમાગમાં ‘દૂષણ ફેલાવી’ રહ્યા છે અને પરિવારજનો વચ્ચે અંતર વધી રહ્યું છે. આ સ્થિતિ નિવારવા મહારાષ્ટ્રના નાનકડા માણગાંવની ગ્રામ પંચાયતે બહુ મહત્વનો નિર્ણય લીધો છે. નિર્ણય છે ઇલેક્ટ્રોનિક્સનાં આધુનિક ઉપકરણોના બેહદ ઉપયોગથી બચવાનો અને પારિવારિક મૂલ્યોનો આદર કરવાનો. માણગાંવની જનતાને સલાહ અપાઇ છે કે દ૨રોજ સાંજે 7-00 થી રાતના 8-30 દરમિયાન તમારા મોબાઇલ ફોન અને ટેલિવિઝન સેટ બંધ કરીને વાંચન શોખ કેળવવો, પરિવારનાં સભ્યો સાથે બે ઘડી મીઠી ગોઠડી માંડો. બાળકોને તો ઇલેક્ટ્રોનિક્સનાં ઉપકરણોના વધુ પડતા ઉપયોગથી ખાસ રોકો.

15,000 ની વસતી ધરાવતા પશ્ચિમ મહારાષ્ટ્રના માણગાંવના સરપંચ રાજુ મગદુમ કહે છે કે અમે 2023ની 26 જાન્યુઆરીએ ગ્રામ પંચાયતની બેઠકમાં સેલ ફોન અને ટીવીના અમર્યાદ ઉપયોગની કુટેવ સામે ઝુંબેશ શરૂ કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે. આ ઝુંબેશનો અમલ 8 માર્ચથી શરૂ કર્યો છે. હાલના તબક્કે આ નિર્ણય સ્વૈચ્છિક હશે પણ સમય જતાં તેને ફરજિયાત કરવાનું વિચાર્યું છે. ભવિષ્યમાં આ નિર્ણયનો ચુસ્ત અમે કરવા એક પરિવારને પાંચ વખત તક આપવામાં આવશે. જે કુટુંબ છઠ્ઠી વખત નિર્ણયનો ભંગ કરશે તેને સજારૂપે પ્રોપર્ટી ટેક્સ (મિલકત વેરો) વધારી દેવાશે. હાલ તો ગ્રામ પંચાયતે ગામના કેબલ ઓપરેટરને દરરોજ સાંજે 7-00થી 8-30 દરમિયાન તેમની સર્વિસ બંધ કરી દેવાની લેખિત જાણ કરી છે.
આ માટે ગ્રામ પંચાયતના બિલ્ડિંગ ઉપર સાઈરન પણ ગોઠવાઇ છે. ત્રણ કિમીના વિસ્તારમાં સંભળાઈ શકે તેવી ક્ષમતાવાળી આ સાઈરન દરરોજ સાંજે 7-00 વાગ્યે ત્રણ મિનિટ સુધી વાગશે. શરૂઆતના તબક્કે ગ્રામ પંચાયતના સભ્યો અને અમારા કર્મચારીઓ ઘરે ઘરે જઈને ગ્રામવાસીઓમાં જાગૃતિ ફેલાવશે. સરપંચ મગદુમે બહુ મહત્ત્વનો મુદ્દો રજૂ કરતાં એમ પણ કહ્યું હતું કે આજે આપણે સહુ સેલફોન અને ટીવી વગર જાણે એક ક્ષણ પણ રહી શકતાં નથી એવો માહોલ સર્જાયો છે. સેલ ફોન અને ટીવીના વધુ પડતા ઉપયોગથી શારીરિક અને માનસિક નુકસાન થાય છે. આ તો હવે તબીબી વિજ્ઞાન પણ સ્વીકારે છે. આમ તેનાથી બચવા અમે અમારી રીતે રસ્તો શોધ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter