બૈજિંગઃ માતા-પુત્રનો સંબંધ દુનિયાનો સૌથી પ્રેમાળ સંબંધ છે. જે રીતે એક મા પોતાના સંતાનને દુ:ખી નથી જોઇ શકતી તે રીતે પુત્ર પણ માને દુ:ખી જોઇ શકતો નથી. ચીનના ૫૦ વર્ષના બ્લોકનો કિસ્સો પણ કંઇક આવો છે. તે દરરોજ પોતાની મૃત બહેનના વસ્ત્રો પહેરે છે કેમ કે તે માતાને ખુશ જોવા માગે છે. આવું તે આજકાલથી નહીં, છેલ્લા ૨૦ વર્ષથી કરે છે. તેની બહેન ૨૦ વર્ષ અગાઉ અકાળે મૃત્યુ પામી. માતાને યુવાન પુત્રીના મૃત્યુનો ભારે આઘાત લાગ્યો. તેને કોઇ વાતે જીવનમાં રસ રહ્યો નહીં. બ્લોકને સમજાઇ ગયું કે શોકમગ્ન માતાની ખુશી પોતાની દીકરીને જોવામાં છે. બસ, ત્યારથી તે દરરોજ પોતાની બહેનના કપડાં પહેરે છે. તે આ વસ્ત્રો પહેરીને માતા સાથે બજારમાં પણ જાય છે. તેની માતાને પણ એવું લાગે છે કે જાણે દીકરી તેમની સાથે છે અને તેમના ચહેરા પર સ્મિત ચમકી જાય છે. માતાના ચહેરા પર આ સ્મિત જાળવી રાખવા બ્લોક ૨૦ વર્ષથી રોજ તેની બહેનનાં કપડાં પહેરીને રહે છે. મા-બાપને બોજ સમજતા સંતાનો માટે બ્લોક એક બોધપાઠ છે.