ઝજ્જર: હરિયાણાનાં ઝજ્જર જિલ્લાનું એક ગામ ઝાંસવાની છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. આ ચર્ચા 13 વર્ષના ટીનેજર કાર્તિક અને તેની શોધનાં કારણે છે. કાર્તિકે એવું ડિજિટલ સ્પોકન અખબાર બનાવવામાં સફળતા મેળવી છે, જેના પર ન્યૂઝ ક્લિક કરતા જ એન્કર તેને વાંચીને સંભળાવે છે. આ સમાચાર સાથે જ સંબંધિત વીડિયો પણ સાથે જોઇ શકાય છે. આ શોધ ખાસ પ્રકારની છે. 25 એપ્રિલે તે આ અખબારનું લોકાર્પણ માતાનાં હાથે જ કરાવશે. પેપરનું નામ ‘શ્રીકુંજ’ રાખવામાં આવ્યું છે.
નવમા ધોરણમાં અભ્યાસ કરતો કાર્તિક કહે છે કે, આ અખબારની પ્રેરણા તેને માતાથી જ મળી છે, તેની માતાને અખબારોનાં સમાચાર પસંદ છે પરંતુ વાંચતા આવડતું નથી. જેથી પરેશાની થાય છે. માતાની પરેશાનીને ધ્યાનમાં લઇને કાર્તિકે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને અખબાર વચ્ચે સમન્વય સાધીને કામ કરવાની શરૂઆત કરી હતી. કાર્તિકે કહ્યું છે કે, તે કેટલા પણ પાનાના અખબારને આવી જ રીતે એઆઇ સાથે જોડી શકે છે. હાલમાં તે પોતાના અખબાર ‘શ્રીકુંજ’ પર ધ્યાન કેન્દ્રીત કરવા ઇચ્છુક છે.
આ શોધનો ફાયદો વૃદ્ધ લોકો અને ઓછા ભણેલા લોકો ઉપરાંત દિવ્યાંગોને પણ થશે. છેલ્લા ત્રણ મહિનાથી કાર્તિક આ ફ્યુચર ઇ-પેપર પર કામ કરી રહ્યો હતો. પિતા અજિતસિંહ 10 ધોરણ સુધી ભણેલા છે અને ખેતી કરે છે. તેઓ હંમેશા કાર્તિકનો જુસ્સો વધારે છે. પિતા કહે છે કે, પુત્ર અન્ય બાળકોની જેમ રમતની ચીજો, ચોકલેટ, આઇસક્રીમ અને ફરવા માટેની જિદ્દ કરવાનાં બદલે મોબાઇલ રિચાર્જ અને ઇન્ટરનેટની માંગણી કરે છે. માતા સુશીલા કહે છે કે, પહેલા પરિવારનાં સભ્યોની કોઇ નોંધ લેવાતી ન હતી. હવે પુત્રના કારણે ઘરમાં સામાજિક કાર્યકરો, રાજકારણ સાથે જોડાયેલા લોકો અને વીઆઇપી લોકો પણ આવી રહ્યા છે.
કાર્તિકે આ પહેલા 11 વર્ષની વયમાં જ ત્રણ એપ બનાવી હતી. આ ત્રણેય એપ અભ્યાસ સાથે સંબંધિત છે. કોડિંગ વર્લ્ડ અને ધ વર્લ્ડ ઓફ ગ્રાફિક ડિઝાઇનિંગ ટાઇટલ સાથે બે પુસ્તકો પણ લખ્યા છે. કાર્તિકે લોકડાઉન દરમિયાન યુટ્યૂબથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઝીણવટભરેલી બાબતો શીખવાની શરૂઆત કરી હતી. ગયા વર્ષે ગિનેસ બુકે કાર્તિકને એશિયાનો સૌથી યુવા એપ ડેવલપર તરીકે ઓળખાવ્યો હતો. ગામમાં રેકોર્ડ બુક સાથે જોડાયેલી ટીમ પણ પહોંચી હતી.