નવી દિલ્હીઃ તામિલનાડુના ૧૮ વર્ષના વિદ્યાર્થી રિફાથ શારુકે માત્ર ૬૪ ગ્રામ વજનનો ઉપગ્રહ તૈયાર કર્યો છે, જે જગતનો સૌથી નાનો ઉપગ્રહ છે. આ ટચુકડા ઉપગ્રહને આવતા મહિને ‘નાસા’ દ્વારા લોન્ચ કરાશે. આ ઉપગ્રહ તૈયાર કરનારો રિફાથ પલ્લાપટ્ટી શહેરમાં ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે. આ ઉપગ્રહ ‘નાસા’ની સ્પર્ધા માટે તૈયાર કરાયો હતો. ‘નાસા’એ ક્યુબ-ઈન-સ્પેસ નામની સ્પર્ધા યોજી હતી. ‘નાસા’એ તે સમયે જ જાહેર કર્યું હતું કે આ સ્પર્ધામાં વિજેતા જાહેર થનારનો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકાશે.
કાર્બન ફાઈબર જેવા હળવા પદાર્થનો બન્યો હોવાથી આ ઉપગ્રહનું વજન સામાન્ય સ્માર્ટફોન કરતાં પણ ઓછું રાખી શકાયું છે. વેલોસ આઈલેન્ડ ખાતેથી ૨૧મી જૂને ‘નાસા’નું રોકેટ લોન્ચ થઈ રહ્યું છે. તેની સાથે જ કલામસેટ પણ લોન્ચ થશે. ૧૨ મિનિટ પછી અવકાશમાં પહોંચનારો ઉપગ્રહ ભવિષ્યના અવકાશ મિશનો માટે ઉપયોગી સાબિત થશે. આ ઉપગ્રહ ૬ કલાક સુધી કામ કરશે. ઉપગ્રહનું કામ અવકાશમાં થ્રી-ડી પ્રિન્ટિંગ ટેકનોલોજીનું ડેમોન્સ્ટ્રેશન કરવાનું છે. ભાવિ પેઢી અવકાશ સંશોધનમાં રસ લે તેવા ઉદ્દેશ સાથે ‘નાસા’ દ્વારા સ્પર્ધા યોજાઇ હતી.