પ્રયાગરાજઃ મહાકુંભ વિશ્વનો એવો પ્રથમ આધ્યાત્મિક સમારોહ છે, જેમાં 51 કરોડથી વધુ લોકો સહભાગી બન્યા છે. માનવ ઇતિહાસમાં કોઇ પણ સમારોહમાં આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હોવાનું પ્રમાણ નથી. ચીન અને ભારતની વસ્તીની છોડી દઈએ તો મહાકુંભમાં સામેલ એટલા લોકો થયા, જેટલા દુનિયાના મોટા દેશોની વસ્તી પણ નથી. અમેરિકા, રશિયા, ઈન્ડોનેશિયા, બ્રાઝીલ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વસ્તી કરતાં પણ વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં સનાતન આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી છે. મહાકુંભનું સમાપન થતાં સુધીમાં તો આ આંકડો હજુ ઘણો વધી શકે છે.
પ્રયાગરાજ સ્થિત આ વિશાળ મહાકુંભ મેળાનું આયોજન કરી રહેલી ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે, આ ભાગીદારી માનવ ઇતિહાસમાં કોઇ પણ ધાર્મિક, સાંસ્કૃતિક કે સામાજિક આયોજનમાં સૌથી મોટી છે. હિન્દુ તીર્થસ્થળ પર આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ભારત અને ચીનને છોડીને બાકી તમામ દેશોની વસ્તી કરતા વધુ છે. 12 વર્ષો પછી આયોજિત થયેલા મહાકુંભ મેળાનો આરંભ 13 જાન્યુઆરીએ થયો અને 26મી ફેબ્રુઆરી સુધ ત્રિવેણી સંગમના તટ પર ચાલશે - ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીઓના સંગમને હિન્દુઓમાં પવિત્ર માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 29 જાન્યુઆરીએ થયેલી ભાગદોડની જીવલેણ ઘટના છતાં રોજે-રોજ ભારત અને વિશ્વભરમાંથી લાખો તીર્થયાત્રીઓ આવતા રહે છે.