લંડન: હોરર ફિલ્મોમાં પ્રેતની કહેવાતી અસર નીચે નાયિકાની આંખોમાંથી લોહીની પીચકારીઓ છૂટતી જોવા મળે ત્યારે પણ લોકોને કમકમાટી આવી જાય છે. આંખમાંથી આંસુ નીકળવા સ્વાભાવિક છે, પરંતુ ઈંગ્લેન્ડમાં સ્ટોક-ઓન-ટ્રેન્ટની ૧૭ વર્ષીય માર્ની હાર્વીની આંખોમાંથી લોહીની ધાર વછૂટે છે. એટલું જ નહિ, તેના કાન, નાક, આંગળીના ટેરવાં અને જીભમાં પણ લોહી ભરાઈ ગયું હોય તેમ દિવસમાં પાંચ વખત લોહી બહાર આવે છે. સંખ્યાબંધ નિષ્ણાત તબીબોની મુલાકાત અને પરીક્ષણો પછી પણ આ રહસ્યપૂર્ણ હાલતનું કારણ શોધી શકાયું નથી. સમગ્ર યુકે અને સંભવતઃ સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ લક્ષણો સાથે આવી સ્થિતિ ધરાવતી તે એકમાત્ર વ્યક્તિ હોવાનું મનાય છે.
‘મિસ્ટરી ગર્લ’ તરીકે ઓળખાતી હાર્વી માર્ચ ૨૦૧૩ની એક રાત્રે અચાનક જાગી ત્યારે તેનું ઓશિકું લોહીથી છવાઈ ગયું હતું. માતા કેથેરીન તેને જીપી પાસે લઈ ગઈ, પરંતુ ઘણા પરીક્ષણો પછી પણ કોઈ કારણ દેખાયું નહિ. આ પછીના બે વર્ષ તેના માટે વધુ પરીક્ષણો અને ખાંડ, ચોકોલેટ, ઘઉં, ગ્લુટેન અને ડેરીપેદાશો સહિત વિવિધ ખોરાક બંધ કરવામાં ગયા હતા. માર્નીએ આરોગ્ય બગાડે તેવી તમામ ચીજો ખાવાની બંધ કરી દીધી હતી.
આંખમાથી લોહી નીકળવાનું શરૂ થયું તે દિવસની યાદ પણ હાર્વીને કમકમાટી લાવી દે છે. તે કહે છે કે, ‘મારી જમણી આંખમાંથી લાલ અને ચીકણા આંસુ નીકળતાં હતાં. મારા ચહેરા પર લોહી હતું અને આંખની પાછળના ભાગે અસહ્ય પીડા થતી હતી. મને જોઈને મારા પેરન્ટ્સ અને ભાઈ-બહેન પણ ચીસ પાડી ઉઠ્યાં હતાં.’ હવે તો તેની આંખ અને કાન ઉપરાંત, નાક, આંગળીના ટેરવાં, જીભ અને માથાની ખાલમાંથી પણ લોહી વછૂટે છે.
તમામ ક્ષેત્રના તબીબો પણ રહસ્યથી સ્તબ્ધ છે. તેના શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોવાનું અને તેને બ્લડી ટીઅર્સ- હેમોલેક્રીઆ- haemolacria હોવાનું ડોક્ટરો કહે છે. તમામ પરીક્ષણો તેની હેલ્થ તદ્દન સારી બતાવતાં હતાં. તેના પ્રજનન અંગો અને ક્ષમતામાં પણ ખરાબી નથી. કારણો તો મળ્યાં નહિ, નિદાન પણ અશક્ય બનવા સાથે હાલત વધુ ખરાબ થતી ગઈ છે. તેના માટે ઘરની બહાર પણ નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. મિસ હાર્વીનું સ્વપ્ન નર્સ બનવાનું, દેશવિદેશમાં રજાઓ ગાળવા અને બોયફ્રેન્ડ શોધવાનું હતું, પરંતુ અનેક નિષ્ણાતોની પાછળ ફરવામાં સ્વપ્નો અભરાઈએ ચડી ગયાં છે.