ન્યૂ યોર્કઃ વિશ્વની સૌથી મોટી માદા સાપ (અજગર નહીં)નું ગ્રીન એનાકોન્ડા (પ્રજાતિ)ની સંભોગ સમયની એક તસવીર હાલમાં વાયરલ બની છે. માદા સાપની ‘મહિલા સશક્તિકરણ’ની રસપ્રદ વાત છે. નેશનલ જિયોગ્રાફિક મેગેઝિને ફેબ્રુઆરીમાં રજૂ કરેલી આ તસવીર એનાકોન્ડા ઉપરાંત પ્રાણીશાસ્રના અભ્યાસીઓ માટે પણ કુતૂહલનું કારણ બની છે. આ તસવીરમાં બે ગ્રીન એનાકોન્ડા છે. મોટું કદ દેખાય છે એ માદા છે અને નાનકડું મોઢું દેખાય છે તે નર છે. એનાકોન્ડામાં માદા મોટી અને નર નાના જ હોય છે. માદા એનાકોન્ડા સમાગમ પછી નરને ખાઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે ગ્રીન એનાકોન્ડાની સમાગમની તસવીર પ્રથમ વખત લઈ શકાઈ છે. જંગલો ખૂંદીને ફોટોગ્રાફી કરીને નામ અને દામ કમાનારા ફોટોગ્રાફર લ્યુસિનો કેન્ડિસનીએ આ તસવીર વર્ષ ૨૦૧૨માં લીધી હતી, પરંતુ અત્યાર સુધી તેને જાહેર કરી ન હતી. દક્ષિણ અમેરિકામાં આવેલા એમેઝોનના વરસાદી જંગલોમાં રહેતા ગ્રીન એનાકોન્ડા પ્રજાતિના સાપ તેમની રહસ્યમય જિંદગી માટે જાણીતા છે. તે મોટાભાગનું જીવન પાણી અને ગાઢ જંગલોમાં વિતાવતા હોવાથી તેમના વિશે પૂરતો અભ્યાસ પણ થઈ શક્યો નથી. આ તસવીરમાં પણ નર-માદા બંને પાણીમાં જ ડૂબેલા છે. યુનિવર્સિટી ઓફ મેક્સિકોમાં દુનિયાભરના સર્પનો અભ્યાસ કરતાં પ્રો. જિસસ રિવાસે ગ્રીન એનાકોન્ડા વિશે કહ્યું કે, સમાગમ પછી માદા એનાકોન્ડા નરને ભીંસી નાખે એ વાતની નવાઈ નથી, પરંતુ પ્રથમવાર તેના પુરાવા સ્વરૂપે તસવીર મળી છે. આવા ચાર કિસ્સા નોંધાયેલા છે, પણ તસવીર પહેલી વખત પ્રકાશિત થઈ છે. આ પ્રજાતિમાં બાળક જન્મી શકે અને વંશ આગળ વધી શકે એટલા માટે પિતા બનનારો એનાકોન્ડા પોતાના જીવનનું બલિદાન આપે છે. આ વાતનું રહસ્ય જણાવતાં પ્રો. રિવાસ કહે છે કે, માદા એનાકોન્ડા નરની હત્યા કરીને તેને ખાઈ જાય છે એ ખરેખર કુદરતી કરામત છે. માતા બનવા જઈ રહેલી માદાને ગર્ભકાળ દરમિયાન ભરપૂર પ્રોટીન જોઈએ છે. આ પ્રોટીનનો સ્ત્રોત તેને નરના માંસમાંથી મળી રહે છે.