ન્યૂ યોર્કઃ કેલિફોર્નિયામાં એક બિલાડી કોર્ટ કેસ જીતી જતાં રાતોરાત કરોડપતિ બની ગઇ છે. ગ્રમ્પી નામની આ ક્યુટ કેટને કાનૂની લડાઈમાં વળતર પેટે પાંચ લાખ પાઉન્ડ મળ્યા છે. ચુકાદો કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટે સંભળાવ્યો. વાત એમ છે કે કેલિફોર્નિયામાં રહેતા ટેબાથા બુન્ડસેનની પાલતુ બિલાડી ગ્રમ્પી તેના દેખાવના કારણે ઇન્ટરનેટ સેન્સેશન બની હતી.
તેના માલિકને એક કોફી કંપની તરફથી ઓફર મળી. તે કંપની ગ્રમ્પીના લુક્સનો ઉપયોગ કોફી કન્ટેનર પર કરવા માંગતી હતી. આ ડીલ પહેલા ગ્રમ્પીના માલિકે ગ્રમ્પી કેટ નામથી એક કંપની રજિસ્ટર કરાવી અને પછી તે કોફી કંપનીને બિલાડીનો ફોટો વાપરવાનો અધિકાર આપ્યો.
કરાર અનુસાર, ગ્રમ્પીનો ફોટો માત્ર કોફી કન્ટેનર ઉપર જ ઉપયોગમાં લેવાનો હતો, પરંતુ કંપનીએ બાકી પ્રોડક્ટ્સ વેચવામાં પણ તેના ફોટોગ્રાફ્સનો ભરપૂર ઉપયોગ કર્યો. આથી ગ્રમ્પી કેટ કંપનીએ કોફી કંપની વિરુદ્ધ કોર્ટ કેસ કર્યો. બન્ને પક્ષકારોની રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે ગ્રમ્પીની તરફેણમાં ચુકાદો આપતાં કોફી કંપનીને વળતર ચૂકવવા ફરજ પડી છે.