મુંબઈઃ ભારતના પ્રોજેરિયાગ્રસ્ત દર્દીઓની ઓળખ બની ગયેલા ભિવંડીના નિહાર બિટલાનું બીજી મેના રોજ દક્ષિણ ભારતના તેલંગણમાં મૃત્યુ થયું છે. પ્રોજેરિયા રોગથી પીડિત દુનિયાના ૧૨૪ બાળકોમાં ૧૫ વર્ષનો નિહાલ પણ એક હતો. બોસ્ટનના પ્રોજેરિયા રિસર્ચ ફાઉન્ડેશનના ફેસબુક પેજ પર માહિતી જાહેર કરાઇ છે.
૨૦ દિવસ પહેલાં નિહાલ બિટલાએ પ્રોજેરિયાગ્રસ્ત બાળકો માટે ભંડોળ એકત્ર કરવા એક ઝુંબેશ શરૂ કરી હતી. નિહાલની ઉંમર ફક્ત ૧૫ વર્ષની હતી, પરંતુ પ્રોજેરિયાના કારણે તે ૯૦ વર્ષની વ્યક્તિ જેવો દેખાતો હતો. નિહાલના મિત્રો એને અમિતાભ બચ્ચનની ચર્ચિત ફિલ્મ ‘પા’ના ઓરો સમજતા હતા અને તે જ નામથી બોલાવતા હતા. પ્રોજેરિયા રોગને લીધે નિહાલનો અભ્યાસ પણ છૂટી ગયો હતો. નિહાલને રોબોટિક સાયન્સ શીખવાની ઈચ્છા હતી.
પ્રોજેરિયા રોગ શું છે?
પ્રોજેરિયા એક ગંભીર અનુવાંશિક રોગ છે. આ રોગથી પીડાતા બાળકોનો વિકાસ અન્ય બાળકોની સરખામણીએ આઠ ગણો ઝડપી થાય છે. આ રોગથી પીડિત બાળકો સરેરાશ ૧૪ વર્ષ જીવે છે. એમનું મૃત્યુ હૃદયરોગને લીધે થાય છે. પ્રોજેરિયાના અન્ય લક્ષણોમાં શરીરનો સંપૂર્ણ વિકાસ થવો, વજન ઓછુ થવું, વાળ ખરી પડવા, ત્વચા વૃદ્ધ વ્યક્તિઓ જેવી થવી, થાપાનું હાડકું ખસી જવું વગેરે મુખ્ય છે.
નિહાલને ‘પા’નો અંત પસંદ નહોતો
અમિતાભ બચ્ચનની બહુ જાણીતી ફિલ્મ ‘પા’માં પ્રોજેરિયા રોગ વિશે ઘણું દર્શાવવામાં આવ્યું હતું. નિહાલ ભારતનો પ્રોજેરિયાનો પ્રથમ કેસ હતો. કેટલાક લોકોનું માનવું છે કે ‘પા’ ફિલ્મ નિહાલના જીવન પરથી જ બનાવવામાં આવી હતી. નિહાલને અમિતાભે ભજવેલા ‘ઓરો’ની ભૂમિકા ખૂબ ગમી હતી. જોકે ફિલ્મમાં સારવાર દરમિયાન અમિતાભનું મૃત્યુ થાય છે તે નિહાલને ગમ્યું નહોતું. તેને ‘તારે ઝમીં પર’ ફિલ્મ ખૂબ ગમી હતી. આમીર ખાન નિહાલને મળ્યો હતો અને એણે મદદ કરી હોવાથી નિહાલની અમેરિકાના બોસ્ટનમાં સારવાર શક્ય બની હતી.