મુંબઇ: ભીખારી શબ્દ સાંભળતા જ આંખો સામે એક અલગ જ પ્રતિમા ઉભી થાય છે. નિર્ધન - લાચાર - બિચારો... ભીખારી એટલે ગરીબ એ વાત આપણાં મગજમાં ફીટ છે. ચહેરા પર ગરીબીની રેખાઓ અને આંખમાં અસહાય હોવાની ભાવના લઇને ફરનારા અનેક ભીખારીઓને આપણે રોજ જોઇએ છે. આખા દિવસમાં તેમને કેટલાં પૈસા મળતાં હશે? તેમાંથી તેમનું પેટ તો ભરાતું હશે ને? આ લોકોને માથે છત તો હશે ને? આવા અનેક વિચારો એમને જોયા બાદ આપણાં મનમાં આવે છે. પણ જો કોઇ વ્યક્તિ વ્યવસાયે જ ભીખારી હોય તો? અને જો તમને કહેવામાં આવે કે એ વિશ્વનો સૌથી શ્રીમંત ભીખારી છે તો?!
આજે આપણે એવા જ એક ભિખારીની વાત કરવાના છે જે દુનિયાનો સૌથી ધનવાન ભીખારી છે, જેની પાસે મુંબઇમાં દોઢ કરોડ રૂપિયાનો ફ્લેટ છે, થાણેમાં દુકાન છે, કાર છે અને તેની રોજની કમાઇ સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે.
મુંબઇમાં રહેનાર ભરત જૈન દેશનો જ નહીં, પણ દુનિયાનો સૌથી ધનવાન ભીખારી છે. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી ભરત ભણી શક્યો નહોતો. ભરતના લગ્ન થયા છે અને તેને બે બાળકો પણ છે. પોતે તો ભણી શક્યો નથી પણ તેના બાળકો ભણવા જોઇએ એમ ભરતને લાગતું. હવે તેના બાળકોનું શિક્ષણ પૂર્ણ થઇ ગયું છે, પણ આ બાળકો કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યાં છે. તેના પરિવારમાંથી કેટલાંક સભ્યો સ્ટેશનરીની દુકાન ચલાવે છે.
ભરતની કુલ સંપત્તિ 7.5 કરોડ રૂપિયાની છે. તેની એક મહિનાની આવક 60 થી 75 હજાર રૂપિયા છે. ભરતના મુંબઇમાં બે ફ્લેટ છે. જેની કુલ કિંમત 1.4 કરોડ છે થાણેમાં બે દુકાનો પણ છે. આ દુકાનમાંથી ભરત જૈનને ભાડાના સ્વરૂપે મહિને 30 હજાર રુપિયા મળે છે. ભરત જૈન છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ, આઝાદ મેદાન વિસ્તારમાં ભીખ માંગે છે.
‘દુનિયાનો સૌથી ધનવાન ભિખારી’ એ ભરત જૈનની ઓળખ છે. તે રોજ 10 થી 12 કલાક કામ કરે છે. જેમાંથી તેને રોજના બે થી અઢી હજાર રૂપિયાથી કમાય છે. ભરત જૈન પરેલમાં એક બીએચકે ડુપ્લેક્સમાં રહે છે. ભરતનો પરિવાર તો તેને અનેકવાર ભીખ ના માંગવા
માટે સમજાવે છે, પણ તે માનવા તૈયાર નથી. જોકે તેનો કોઇ ફાયદો થયો નથી. ભરત જૈને ભીખ માંગવાનું ચાલુ જ રાખ્યું છે.