આગ્રાઃ ‘શરાબી’ ફિલ્મનો અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ બહુ જાણીતો થયો હતો, ‘મૂછેં હોં તો નથ્થુલાલ જૈસી..!’ પણ જો આ જ નથ્થુલાલ આગ્રાના રમેશચંદ્ર કુશવાહાને જુએ તો તેઓ પોતાની મૂછોને પણ ભૂલી જાય. 80 વર્ષના કુશવાહા છેલ્લાં 35 વર્ષથી મૂછો વધારે છે અને સાડા ત્રણ દસકાની આ જહેમતના પરિણામે આજે તેમની મૂછોની લંબાઈ 35 ફૂટ છે. 35 વર્ષ પહેલાં તેમનાં પત્નીનું નિધન થયું પછી તેમની યાદમાં રમેશચંદ્રે મૂછો વધારવાનો નિર્ણય લીધો પછી આ નિર્ણયને ચુસ્તપણે વળગી રહ્યા છે.
કુશવાહાને સંતાનમાં એક જ દીકરી છે અને તેણે ઘણી વાર પિતાને મૂછો કપાવી નાંખવા કહ્યું, પણ કુશવાહા હૈ કી માનતા નહીં... દીકરી અને તેનાં સંતાનો પોતે ઉંઘમાં હશે ત્યારે મૂછો કાપી નાંખશે એવા ડરના કારણે રમેશચંદ્રજી ઘણાં વરસોથી તેમને મળવા પણ જતા નથી. દૂધની ડેરીમાં કામ કરીને દિવસના માત્ર 100 રૂપિયા કમાતા કુશવાહા અડધોઅડધ રકમ તો મૂછોના જતનમાં વાપરી નાંખે છે!