નવી દિલ્હીઃ છત્તીસગઢના ગરીયાબંદનું લચકેરા ગામ ખોબા જેવડું છે, પણ અહીં દરેક ઝાડ ઉપર યાયાવર પક્ષીઓનું ટોળું જોવા મળે છે. વરસાદની શરૂઆત પહેલા તેઓ અહીં પહોંચે છે અને દિવાળી સુધી તેમનો ડેરો અહીં જમાવી રાખે છે. ગામલોકો તેમના આગમનને શુભ માને છે. કારણ કે તેમના આગમન સાથે ચોમાસું પણ શરૂ થાય છે. લોકો માને છે કે તેઓ મેઘરાજાના આગમનનો સંદેશ લઇને આવે છે. ગામલોકોનું કહેવું છે કે, દાયકાઓથી અહીં માઇગ્રેટરી બર્ડ ઓપન બિલ સ્ટોકર્સ આવે છે. દરેક ઝાડ ઉપર ૫૦થી ૧૦૦ પક્ષીઓનાં માળા બંધાય છે અને ત્યાં પ્રજનન થાય છે.
ઓપન બિલ સ્ટોર્ક એ એક વિશાળ પક્ષી છે, જે પર્વતીય પ્રદેશો સિવાય સમગ્ર ભારતીય ઉપખંડમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આ સાથે થાઇલેન્ડ, ચીન, વિયેટનામ, રશિયામાં પણ જોવા મળે છે તેની ગરદન, પગ અને ચાંચ પણ લાંબી હોય છે. ચાંચની વચ્ચેની ખાલી જગ્યાને કારણે, તેને ઓપનબિલ તરીકે ઓળખવામાં આવે છે.
પક્ષીઓને સંવર્ધન માટે સાનુકૂળ વાતાવરણ
દર વર્ષે આ નાનકડા ગામમાં સેંકડોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે તેનું કારણ સમજાવતા નિષ્ણાતો કહે છે કે તેઓને અહીં સંવર્ધન માટે અનુકૂળ વાતાવરણ મળે છે. સાથે સાથે જ માળા બનાવવા માટે તણખલું પણ મળી આવે છે, અને ભોજન પણ મળી રહે છે. તેથી તેઓ અહીં ડેરો જમાવી રાખે છે. વળી ગામના લોકો પણ પક્ષીઓની પૂરતી કાળજી લે છે. ગામના સરપંચ ઉદય રામ નિશાદ કહે છે કે આખું ગામ પક્ષીઓનું ધ્યાન રાખે છે. જોકે આમ છતાં કેટલાક વર્ષો પહેલા અમુક લોકો પોતાના ભોજન માટે આ પક્ષીઓનો શિકાર કરતા જોવા મળ્યાં હતાં. આ પછી તરત અમે પગલાં લીધા અને પંચાયતે સર્વાનુમતે ઠરાવ કરીને શિકારીને ૧૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ કરી છે ત્યારથી શિકાર સંપૂર્ણપણે બંધ છે. જીવનના નવ દાયકા જોઇ ચૂકેલા ૯૨ વર્ષીય દાદા પલ્ટન નિશાદ કહે છે કે હું નાનપણથી જ આ પક્ષીઓને જોઇને મોટો થયો છું, અને આજે પણ તેઓ એટલી જ મોટી સંખ્યામાં આ ગામના મહેમાન બને છે.