શિલોંગઃ ભારતનાં કુદરતી સૌંદર્યથી મઢ્યા સ્થળોની વાત નીકળે તો મેઘાલયનો ઉલ્લેખ આવે જ આવે. આથી જ તો પૂર્વોત્તર ભારતના ગામડાંઓની અદભૂત સુંદરતા હંમેશા દુનિયાભરના લોકોને આકર્ષી રહી છે. મેઘાલયની રાજધાની શિલોંગથી લગભગ 90 કિમી દૂર ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે આવેલું ગામ માવલીનોંગ આવું જ એક ગામ છે. આ ગામની અજોડ સુંદરતા જોઈને એવું લાગે છે કે આ મિની સ્વિટ્ઝરલેન્ડ છે.
આજે ઘણા લોકો આ ગામને ‘ભગવાનનો બગીચા’ તરીકે ઓળખાવે છે. જોકે 25 વર્ષ પહેલાની વાત અલગ છે, તે સમયે અહીં તદ્દન વિરોધાભાસી ચિત્ર જોવા મળતું હતું. તે સમયે ગામમાં દરેક ઋતુમાં નાનોમોટો રોગચાળો ફેલાતો હતો. 1988ની જ વાત છે. જ્યારે જ્યારે બીમારીઓ ફેલાતી ત્યારે બાળકોને સૌથી વધુ અસર થતી હતી. દર વર્ષે અનેક બાળકો મૃત્યુ પામતા હતા. આ બધું જોઇને વ્યથિત શાળાના એક શિક્ષક રિશોત ખોંગથોરામે ગામને રોગચાળાથી મુકિત અપાવવાની અને લોકોને સ્વચ્છતા તથા શિક્ષણ સાથે જોડવાની પ્રતિજ્ઞા લીધી.
એક અહેવાલમાં ખોંગથોરામને ટાંકીને જણાવાયું હતું કે તે સમયે સ્થિતિ ખરેખર ખૂબ જ ખરાબ હતી. ગંદકી એ અનેકવિધ રોગોનું મૂળ હતું. એક શિક્ષક હોવાના નાતે મને લાગ્યું કે સ્વચ્છતાનું જ્ઞાન ફેલાવવાની જવાબદારી મારી છે. આ કાર્યમાં માતાઓએ મને ખૂબ સહકાર આપ્યો છે. ગામમાં સ્વચ્છતા અને શિક્ષણના અભિયાનને આગળ ધપાવવા માટે ગામના લોકોની જ એક સમિતિની રચના કરાઇ. સમિતિએ ગ્રામજનોને પશુઓને બાંધવા, કચરો જાહેરમાં ન નાખવા અને ઘરમાં શૌચાલય બનાવવાની પ્રેરણા આપી. લોકો પણ આ પ્રેરણાને સમજવા લાગ્યા. ઘરોમાંથી કચરો એકઠો કરીને એક જગ્યાએ લઈ જવામાં આવતો. આ કચરાના નિકાલ માટે ખાતર ખાડો અને વાંસની પેટીઓ રાખવામાં આવી હતી, જેથી સમયાંતરે કચરાને રિસાયકલ કરી શકાય.
લોકોના સંકલ્પનું પરિણામ એ આવ્યું કે થોડા જ વર્ષોમાં આ ગામમાં સ્વચ્છતા અને શિક્ષણનો પ્રકાશ ફેલાયો. આજથી બે દસકા પૂર્વે 2003માં, ડિસ્કવર ઇન્ડિયા દ્વારા તેને એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે ઓળખવામાં આવ્યું હતું. આજે ગામનો ચહેરોમહોરો બદલાઇ ગયો છે.
માવલીનોંગ ગામ આજે 100 ટકા સાક્ષરતા ધરાવે છે. ગામમાં દરેક વ્યક્તિ સારું અંગ્રેજી બોલે છે. જોકે હિન્દી બહુ ઓછા પ્રમાણમાં સમજાય છે. ગામમાં પ્લાસ્ટિકની તમામ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ છે. ધૂમ્રપાન પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ નિયમોનું પાલન ન કરનારાઓને આકરો દંડ ભરવો પડે છે. 600 લોકોની વસ્તીવાળા આ ગામની ખાસી જનજાતિ સ્વચ્છતાને ખૂબ જ ગંભીરતાથી લે છે. આજે અહીં દરેક ઘરમાં શૌચાલય છે. લોકો ઘ૨ની સાથે આસપાસના રસ્તાઓને પણ સાફ રાખે છે. દરેક ઘરની નજીક વાંસમાંથી બનેલા ડસ્ટબીન છે.
માવલીનોંગ ગામમાં વાંસથી બનેલો 75ફૂટ ઊંચો સ્કાય બ્લ્યૂ ટાવર છે, જ્યાંથી બાંગ્લાદેશનો અદભુત નજારો જોવા મળે છે. અહીં ટૂંકી નદીનું પાણી એટલું ચોખ્ખું અને પારદર્શક છે કે તેના પર તરતી હોડી જોઈને એવું લાગે છે કે હોડી પાણી પર નહીં પણ હવામાં તરતી હોય. માવલીનોંગનું બેલેન્જિંગ રોક એક લોકપ્રિય પર્યટન કેન્દ્ર છે, જ્યારે સ્થાનિક લોકો માટે આ ખડકનું આગવું મહત્ત્વ છે. તેમના મતે આ ખડક ગામ અને ગામના લોકોને દરેક હુમલાથી બચાવે છે.