રાંચી: છત્તીસગઢ રાજ્યના કોરિયા જિલ્લામાં પોલીસે એક બકરીની ધરપકડ કરી છે. બકરીનો ગુનો એ છે કે તે જિલ્લા મેજિસ્ટ્રેટના બંગલામાં ઘૂસી ગઈ હતી અને ઘાસ-છોડ ખાઈ ગઈ હતી. બકરી અને તેના માલિકની આઠમી ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે બન્નેને કોર્ટમાં રજૂ કરી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતી. બન્ને પર જે કલમો લગાવવામાં આવી છે તેમાંથી બેમાં સાત વર્ષની સજા તેમજ દંડની જોગવાઈ છે.
કોરિયાના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) હેમંત રાત્રેના માળીએ બકરી અને તેના માલિક અબ્દુલ હસન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસનું કહેવું છે કે, બકરી ગુનો કરવાથી ટેવાયેલી છે.
એએસઆઈ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 'ડીએમના બંગલા પર ૨૫ ફૂટ ઊંચો લોખંડનો દરવાજો છે તેમ છતાં, આ બકરી દરવાજો કૂદીને બંગલામાં ઘૂસી જાય છે. માળીએ બકરીના માલિકને અનેક વાર ચેતવણી આપી હતી. આખરે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.' પોલીસનું કહેવું છે કે, બકરી બંગલામાં ઘૂસીને બગીચાના છોડ અને શાકભાજીને ખાઈ જતી હતી.