લખનૌઃ સમોસાને લોકનજરમાં મુઠ્ઠીઉંચેરું સ્થાન અપાવવા માટે કંઈક અલગ કરવા ઇચ્છતા ઉત્તર પ્રદેશના મિઠાઈ શોપના માલિકે 12 કિલોગ્રામના જાયન્ટ સમોસા બનાવીને વેચવાનું શરૂ કર્યું છે. આ સાથે જ તેમણે સમોસાને 30 મિનિટમાં ખાઇ જનાર વ્યકિતને રૂપિયા 71,000ની ઈનામી રાશિની જાહેરાત કરી છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠના ત્રીજી પેઢીના મિઠાઈ શોપના માલિકે પોતાના પરંપરાગત વ્યવસાયમાં નવીનતા લાવવા માટે બટાકા, વટાણા, પનીર અને ડ્રાઈફ્રૂટ્સથી ભરપૂર 12 કિલોગ્રામના સમોસા લોન્ચ કર્યા છે. આ સમોસાને તૈયાર કરવા માટે શેફને લગભગ 6 કલાકનો સમય લાગે છે.
દુકાનના માલિકે જણાવ્યું કે, જાયન્ટ સમોસાને ફ્રાય કરવા માટે ત્રણ રસોઈયાઓ લગભગ દોઢ કલાક મહેનત કરે છે ત્યારે એક સમોસું તૈયાર થાય છે. હાલના જમાનામાં ફૂડ બ્લોગર્સની રીલ્સ અને વીડિયો જોઈને અનેક લોકો ચોક્કસ ફાસ્ટફૂડ જોઈન્ટની મુલાકાત લેતા હોવાનું સામે આવતા તેમણે લોકોનું ધ્યાન ખેચવા માટે આ સમોસા લોન્ચ કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
દુકાનદારે સૌથી પહેલા ચાર કિલોનું સમોસું તૈયાર કર્યું હતું. ત્યારબાદ આઠ કિલોના સમોસા લોન્ચ કર્યા હતાં. તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેઓ 12 કિલોના સમોસાને બજારમાં લાવ્યા છે. 12 કિગ્રાના સમોસાની કિંમત રૂ. 1500 રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં દુકાનને સમોસાના 40થી 50 ઓર્ડર મળી ચૂક્યા છે.