હિસ્સારઃ આપણે ગદર્ભ શબ્દનો ઉપયોગ ભલે કોઇકને ચિડાવવા માટે કે કોઇકને નીચું દેખાડવા માટે કરતા હોઇએ છીએ, પરંતુ ગદર્ભની ઉપયોગિતા પણ કોઇનાથી છૂપી નથી.
આજ સુધી આપણે ગાય-ભેંસના દૂધની ડેરી વિશે જ જાણ્યું છે, પરંતુ ટૂંક સમયમાં જ હરિયાણાના હિસ્સાર ખાતે ભારતમાં પહેલી જ વાર ગધેડીના દૂધની ડેરી શરૂ થઇ રહી છે. આ દૂધ પ્રતિ લિટર રૂપિયા ૭,૦૦૦ની કિંમતે વેચાશે.
તબીબી નિષ્ણાતો ગધેડીના દૂધને માનવી માટે ખૂબ લાભકારક ગણાવે છે, એટલું જ નહીં પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી પાવર)ને સુધારવામાં મોટી ભૂમિકા નિભાવતું હોય છે. આ દૂધમાંથી કેટલીક બ્યૂટી પ્રોડક્ટ પણ તૈયાર થતી હોય છે. ગધેડીના આવા મોંઘેરા મૂલને જાણીને હવે હિસ્સારના નેશનલ હોર્સ રિસર્ચ સેન્ટરમાં ગધેડીના દૂધની ડેરી શરૂ કરાઇ રહી છે.
હાલારી વંશનું દૂધ ઉત્તમ
સંસ્થાનમાં હાલારી વંશની ગધેડીના દૂધની ડેરી શરૂ થવાની છે. સંસ્થાને આ હેતુસર હાલારી વંશની ૧૦ ગધેડી ઘણા સમય અગાઉ જ ખરીદી લીધી છે. હાલમાં તેમનું બ્રિડિંગ થઇ રહ્યું છે. હાલારી વંશની ગધેડીના દૂધને તો ઔષધોનો ખજાનો માનવામાં આવે છે.
ગધેડીના દૂધમાં કેન્સર, મેદસ્વિતા, એલર્જી જેવી બીમારીઓ સામે લડવાની ભરપૂર ક્ષમતા હોય છે. ઉલ્લેખનીય છે કે ગર્દભનો આ વંશ ગુજરાતમાં મળે છે.
પોષક તત્વોથી ભરપૂર
જાણકારોનું કહેવું છે કે બાળકોને ઘણી વાર ગાય કે ભેંસના દૂધથી એલર્જી થઇ જતી હોય છે, પરંતુ હાલારી વંશની ગધેડીના દૂધથી કદી એલર્જી નથી થતી. તે દૂધમાં એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિએજિંગ તત્ત્વો મળી રહે છે કે જે તત્ત્વો અનેક ગંભીર બીમારીઓ સામે લડવાની ક્ષમતા વિકસાવે છે.
બ્રાન્ડિંગ પછી ડેરીનું કામકાજ તરત શરૂ થઇ જશે. આ ગધેડીનું દૂધ બજારમાં રૂપિયા ૨,૦૦૦ થી ૭,૦૦૦ પ્રતિ લિટરના ભાવે વેચાતું હોય છે. બ્યૂટી પ્રોડક્ટ ઉપરાંત તેમાંથી સાબુ, લિપબામ, બોડી લોશન વગેરે પણ તૈયાર થાય છે.