નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના વસ્ત્રોના કારણે ઘણી વાર ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે પણ એવું જ બન્યું છે. વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ માટે સંસદમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની કોટી ચર્ચામાં રહી. આ કોટી સિંગલ યુઝ પ્લાસ્ટિકની 28 નકામી બોટલ્સ રિસાઇકલ કરીને બનાવેલી છે. વડા પ્રધાનને આ કોટી ઇંગલમાં ઇન્ડિયા એનર્જી વીક દરમિયાન ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને ભેટ આપી હતી. આઇઓસીએ દર વર્ષે પ્લાસ્ટિકની ૧૦ કરોડ નકામી બોટલ્સ રિસાઇકલ કરીને તેમાંથી વસ્ત્રો બનાવવાની પહેલ હાથ ધરી છે, જેને ‘અનબોટલ્ડ’ નામ અપાયું છે. આ પહેલ અંતર્ગત સશસ્ત્ર દળો માટે નોન-કોમ્બેટ યુનિફોર્મ પણ બનાવાશે. આ પહેલથી પર્યાવરણના સંરક્ષણમાં મદદ મળશે.
પ્રોસેસમાં એક ટીપુંય પાણી વપરાતું નથી
આ વસ્ત્રોની સૌથી મોટી વિશેષતા એ છે કે તે બનાવવામાં એક ટીપુંય પાણી વપરાતું નથી જ્યારે કોટનને કલર કરવામાં ઘણું બધું પાણી વપરાય છે. પ્લાસ્ટિકની નકામી બોટલ્સ રિસાઇકલ કરીને બનાવાતા વસ્ત્રોમાં ડોપ ડાઇંગનો ઉપયોગ થાય છે. નકામી બોટલ્સમાંથી પહેલાં ફાઇબર બનાવાય છે અને પછી તેમાંથી યાર્ન તૈયાર કરાય છે. યાર્નમાંથી ફેબ્રિક બને છે અને પછી તેમાંથી વસ્ત્રો તૈયાર કરાય છે.
આ વસ્ત્રોની અન્ય વિશેષતા...
• આ વસ્ત્રો સંપૂર્ણપણે ગ્રીન ટેક્નોલોજી પર આધારિત છે. • તેના પર એક ક્યુઆર કોડ પણ હોય છે, જે સ્કેન કરીને તે વસ્ત્રની પૂરી હિસ્ટ્રી જાણી શકાય છે. • ટી-શર્ટ કે શોર્ટ્સ બનાવવામાં 5-6 બોટલનો ઉપયોગ થાય છે. • શર્ટ બનાવવામાં 10 અને પેન્ટ બનાવવામાં 20 બોટલ વપરાય છે. • રહેણાક વિસ્તારોમાંથી અને દરિયામાંથી નકામી સિંગલ યુઝ બોટલ્સ એકત્ર કરાય છે.