નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે મર્સીડીઝ મેબેક-૬૫૦ બખ્તરબંધ વાહનોના સજ્જ કાફલામાં પ્રવાસ કરતા જોવા મળશે. વડા પ્રધાન મોદી તાજેતરમાં જ નવી મેબેક ૬૫૦માં પહેલી વખત હૈદરાબાદ હાઉસમાં જોવા મળ્યા હતા. તે સમયે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુટિનને મળવા પહોંચ્યા હતા. આ વાહન તાજેતરમાં જ વડા પ્રધાનના કાફલામાં ફરીથી જોવા મળ્યું છે. મર્સીડીઝ મેબેક એસ૬૫૦ ગાર્ડ વીઆર૧૦ લેવલ પ્રોટેક્શન સાથે અત્યાધુનિક મોડેલ છે. આ કારમાં અત્યાર સુધીમાં વિશ્વની કોઈ પણ કારમાં આપવામાં ન આવ્યું હોય તેટલું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
અહેવાલ મુજબ મર્સીડીઝ મેબેકે ગયા વર્ષે ભારતમાં એસ-૬૦૦ ગાર્ડને રૂ. ૧૦.૫ કરોડમાં લોન્ચ કરી હતી. જ્યારે એસ૬૫૦ની કિંમત રૂ. ૧૨ કરોડથી વધારે હોઈ શકે છે.
ભારતના વડા પ્રધાનની સલામતી માટે જવાબદાર સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) સલામતીની જરૂરિયાતોની ચકાસણી કરે છે. તે નક્કી કરે છે જે વ્યક્તિની તેઓ રક્ષા કરી રહ્યા છે તેને એક નવા વાહનની જરૂરિયાત છે કે નહીં.
શક્તિશાળી એન્જિન -
બખ્તર જેવી મજબૂતી
મર્સીડીઝ મેબેક એસ૬૫૦ ગાર્ડ ૬.૦ લિટર ટ્વીન ટર્બો વી-૧૨ એન્જિન દ્વારા સંચાલિત છે. તે ૫૧૬ બીએચપી અને ૯૦૦ એનએમનો ટોર્ક પેદા કરે છે. તેની મહત્તમ ઝડપ પ્રતિ કલાક ૧૯૦ કિમી છે. ટાયરને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય કે પંચર પડે તેવી સ્થિતિમાં પણ તે ૩૦ કિમી જઈ શકે છે. આ ગાડીની ખાસિયત એ છે કે તેની બોડી અને બારી ગમે તેવી ગોળીઓનો સામનો કરી શકે છે.
તેને બોમ્બ પ્રુફ (ઇઆરવી) વાહનનું રેટિંગ પણ મળ્યું છે. આ કારમાં સવાર લોકો બે મીટર દૂરથી થતાં ૧૫ કિલો ટીએનટી વિસ્ફોટથી પણ સલામત છે. બારીના ઇન્ટીરિયર પર પોલીકાર્બોનેટ ચઢાવવામાં આવ્યું છે.
કારનો નીચેનો ભાગ પણ કોઈ પણ પ્રકારના વિસ્ફોટથી બચવા બખ્તરબંધ છે. ગેસ હુમલાની સ્થિતિમાં પણ કેબિનમાં અલગતી ઓક્સિજન પૂરો પાડવામાં
આવે છે.
ફ્યુલ ટેન્કમાં કાણુ પડે તો
આપમેળે સીલ થઈ જાય
મેબેકના ફ્યુઅલ ટેન્કને એક ખાસ પ્રકારનું કોટિંગ કરવામાં આવ્યું છે. આ કોટિંગ ગરમીના લીધે થતા છિદ્રોને પોતાની મેળે સીલ કરી દે છે. આ તે સામગ્રીથી બન્યું છે જેનો ઉપયોગ બોઇંગ અને એએચ-૬૪ અપાચે ટેન્ક એટેક હેલિકોપ્ટરો કરે છે. આ કાર મુખ્યત્વે ફ્લેટ ટાયરો પર ચાલે છે, જે નુકસાન થવાની સ્થિતિમાં ટાયરોને સપાટ કરી દે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે મોદીએ બુલેટપ્રુફ સ્કોર્પિયોમાં સવારી કરી હતી. ૨૦૧૪માં વડા પ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા પછી તેમણે બીએમડબલ્યુ સેવન સિરીઝ હાઇ-સિક્યોરિટી એડિશન, લેન્ડ રોવર રેન્જ રોવર અને ટોયોટા લેન્ડ ક્રુઝરનો ઉપયોગ કર્યો હતો.