મોરબીઃ પ્રચાર માટે દર વખતે નવા નવા કીમિયા વાપરતા ભાજપે આ વખતે લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી અને તેમના દ્વારા લાવવામાં આવેલી યોજનાઓની વોલ ક્લોક બનાવીને એનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. આ માટે છ લાખ વોલ ક્લોક બનાવવાનો ઓર્ડર પણ મોરબીના ક્લોક મેન્યુફેક્ચરર્સને આપી દેવામાં આવ્યો છે.
અહેવાલ અનુસાર, બનાવવામાં આવનારી વોલ ક્લોકના છ મોડલ પણ ફાઈનલ થઈ ગયાં છે. એમાંથી ત્રણમાં માત્ર નરેન્દ્ર મોદીનો જ પ્રચાર કરવામાં આવ્યો છે તો બે વોલ ક્લોકમાં નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલી ૧૨ યોજનાઓ અને નરેન્દ્ર મોદીનો પ્રચાર કરવામાં આવ્યો છે. એક વોલ ક્લોકમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપરાંત ભાજપના અન્ય સિનિયર નેતાઓના ફોટોગ્રાફ્સ જડવામાં આવશે.
બનાવવામાં આવનારી આ વોલ ક્લોકને ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નાના રાજ્યના મતદારોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ વોલ ક્લોકની હોલસેલ પ્રાઈસ અંદાજે ૭૦ રૂપિયા છે. મોરબીના વોલ ક્લોક મેન્યુફેકચરર્સ પૈકીના છ મેન્યુફેક્ચરર્સને એક - એક લાખ ઘડિયાળો બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
આવો ઓર્ડર મેળવનારા એક મેન્યુફેક્ચરર્સે પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે પોલિસી નક્કી થઈ હોવાથી અમે ઓફિશિયલી તો વાત ન કરી શકીએ, પણ હું એટલું જરૂર કહીશ કે અમારે વોલ ક્લોક માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં તૈયાર કરવાની છે. એ પછી ભાજપ દ્વારા જે રાજ્યમાં સપ્લાય કરવાનું કહેવામાં આવશે ત્યાં મોકલવાની રહેશે.’
ભાજપના સિનિયર લીડર પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે ‘ભાજપ અને નરેન્દ્ર મોદી બે જ એવા છે કે જે પ્રજાને સારો સમય આપી શકે છે અને છેલ્લાં પાંચ વર્ષ એનો પુરાવો પણ છે. ઘડિયાળ દેખાડશે કે સારો સમય જોઈતો હોય તો તમારે આ નેતા પસંદ કરવાના છે. આ અમારો ભાવ છે.’