શિમલાઃ હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રામપુર બુશહર નગરના લોકોને ધાર્મિક સદભાવનાની અનોખી મિસાલના સાક્ષી બનવાનું સદભાગ્ય સાંપડ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંચાલિત ઠાકુલ સત્યનારાયણ મંદિર પરિસરમાં એક મુસ્લીમ દંપતીના પૂરા વિધિવિધાન સાથે નિકાહ કરાવવામાં આવ્યા છે. નિકાહ પઢનારા યુગલમાં યુવતી એમટેક ગોલ્ડ મેડલિસ્ટ છે તો યુવક સિવિલ એન્જિનિયર છે. ઉલ્લેખનીય છે કે સત્યનારાયણ મંદિરના પરિસરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જિલ્લા મથક કાર્યરત છે. મૌલવીએ નિકાહની રસ્મ એક વકીલ અને બે સાક્ષીની ઉપસ્થિતિમાં મુસ્લિમ પરંપરા અનુસાર કરાવી હતી. આ પ્રસંગે જુદા જુદા ધર્મના લોકોએ ઉપસ્થિત રહ્યા હતા અને લગ્નપ્રસંગના સાક્ષી બન્યા હતા. ટ્રસ્ટના સંચાલકો અને મુસ્લિમ કન્યાના પરિવારજનોનું કહેવું હતું કે ધાર્મિક સદભાવનામાં વધારો કરવાના ઉદ્દેશથી તેમણે આ અનોખી પહેલ કરી હતી.
રામપુર મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી વિનય શર્માએ કહ્યું હતું કે મુસ્લિમ પરિવારે મંદિરની વ્યવસ્થાને નજરમાં રાખીને પૂરી શુદ્ધતા સાથે નિકાહ સંપન્ન કર્યા હતા.
જાનૈયાના સ્વાગત અને ખાનપાનમાં હિન્દુ પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું હતું. આ નિકાસ સામાજિક સદભાવનાનું અનોખું ઉદાહરણ બની રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ પ્રકારનું આયોજન દર્શાવે છે કે સનાતન ધર્મ હંમેશા તમામને એક સાથે રાખીને આગળ ધપવાની પ્રેરણા આપે છે.
હિન્દુ મુસ્લિમ ભાઇચારાનો સંદેશ
કન્યાના પિતા એમ. એસ. મલિકનું કહેવું હતું કે તેમણે દીકરીના લગ્ન રામપુરના સત્યનારાયણ મંદિરના પરિસરમાં કરાવ્યા છે. આ પ્રસંગના આયોજનમાં નગરજનો, વિશ્વ હિન્દુ પરિષદ અને મંદિર ટ્રસ્ટનો સકારાત્મક અને સક્રિય સહયોગ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ આયોજને હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનો સંદેશ આપ્યો છે.