હૈદરાબાદ: તેલંગણના નાલગોન્ડા જિલ્લાના પોચમપલ્લી ગામનું નામ કદાચ તમે નહીં સાંભળ્યું હોય, પરંતુ ખોબલા જેવાડા આ ગામની સાડીઓ આખી દુનિયામાં પ્રખ્યાત છે. હૈદરાબાદથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલું આ ગામ હવે ઇન્ટરનેશનલ ટુરિઝમના નકશા પર આવી ગયું છે. યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (યુએન-ડબ્લ્યુટીઓ) પોચમપલ્લીને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે. હવે ગામને સ્પેનના મેડ્રિડમાં બીજી ડિસેમ્બરે યોજાનારા સમારોહમાં પુરસ્કૃત કરાશે. કેન્દ્રના સંસ્કૃતિ-પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી કહે છે કે, પોચમપલ્લીની વણાટશૈલીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત કાર્યક્રમ થકી વૈશ્વિક ઓળખ મળી છે.
પોચમપલ્લીની બીજી વિશેષતા એ છે કે, વિનોબા ભાવેએ આ જ ગામમાંથી ૧૮ એપ્રિલ ૧૯૫૧ના રોજ ભૂદાન આંદોલન શરૂ કર્યું હતું. તેમની એક હાકલે જમીનદારોએ ૨૫૦ એકર જમીન દાન કરી હતી. શ્યામ બેનેગલે ૧૯૮૦માં આ ગામ આધારિત ‘સુસ્માન’ ફિલ્મ બનાવી હતી, જેમાં શબાના આઝમી, ઓમ પુરી, નીના ગુપ્તા જેવાં દિગ્ગજ કલાકારે કામ કર્યું હતું. આ ફિલ્મમાં પણ હેન્ડલૂમ કારીગરોની વાત કરાઈ હતી. એટલું જ નહીં, એર ઈન્ડિયાનો કેબિન ક્રૂ સ્ટાફ પણ આ ગામમાં તૈયાર થયેલી સાડીઓ પહેરે છે.
આશરે ૮૦ જેટલા કસબાનો સમૂહ ધરાવતા પોચમપલ્લીનાં દરેક ઘરમાં હેન્ડલૂમનું કામ થાય છે. અહીં ૧૫૦૦થી વધુ પરિવાર રહે છે અને હેન્ડલૂમની સંખ્યા ૧૦ હજાર છે. અહીં એક સાડી બનતા દસ દિવસ લાગે છે. આ ગામ વર્ષેદહાડે સાડીઓનો રૂ. ૨૦૦ કરોડથી વધુનો વેપાર કરે છે, જેની ફ્રાન્સ સહિતના યુરોપિયન દેશો, દુબઈ, મલેશિયા અને શ્રીલંકામાં પણ નિકાસ થાય છે.
યુએનડબ્લ્યુટીઓ દર વર્ષે દુનિયાનું મુલાકાત લેવા જેવું શ્રેષ્ઠ ગામ જાહેર કરે છે, જેનો હેતુ સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. પ્રવાસન મંત્રાલયે યુએનને કુલ ત્રણ ગામોના નામ સૂચવ્યા હતા. જેમાં મધ્ય પ્રદેશનું લઘપુરા અને મેઘાલયનું વ્હિસલિંગ વિલેજ તરીકે ઓળખાતું કોંગથોંગ પણ સામેલ હતાં.