કાઠમંડુઃ કહેવાય છે કે, લક્ષ્ય આડે ભલેને હિમાલય જેવડા પડકાર હોય, પણ લક્ષ્ય સિદ્ધ કરવાનો મનમાં નિશ્ચિય કરીને આગેકૂચ કરો તો અવશ્ય સફળતા મળે જ છે. માન્યામાં ન આવતું હોય તો આ પૂર્વ સૈનિકને મળો. એક યુદ્ધમાં પોતાના બંને પગ ગુમાવી ચૂકેલા હરિ બુધસાગરે આ કહેવત સાચી ઠરાવી છે. પોતાના બંને પગ ગુમાવ્યા હોવા છતાં હિંમત ન હારેલા 43 વર્ષના હરિએ વિશ્વનાં સૌથી ઊંચા શિખર કે જેનું મૂળ નેપાળી નામ ‘સરગ-મથા’ (સ્વર્ગનું મસ્તક) છે, તેવા માઉન્ટ એવરેસ્ટને સર કરીને ઇતિહાસ રચ્યો છે.
હરિ એક સમયે બ્રિટનની ગુરખા રેજિમેન્ટનો સભ્ય હતો. 2010માં અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરમિયાન તેણે બંને પગ ગુમાવ્યા પછી તેને કૃત્રિમ પગ લગાડવામાં આવ્યા હતા. આ પૂર્વ સૈનિકે કૃત્રિમ પગ હોવા છતાં વિશ્વનાં સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરીને વિશ્વમાં અનોખો વિક્રમ સર્જ્યો છે. આ શિખર 8,848.86 મીટર એટલે કે 29,032 ફીટ ઊંચું છે.
નેપાળના પર્યટન વિભાગના એક અધિકારીએ આ માહિતી આપતાં કહ્યું હતું કે બંને પગે અશક્ત તેવા પૂર્વ સૈનિક હરિ બુધમાગરે ગયા શુક્રવારે માઉન્ટ એવરેસ્ટ ઉપર વિજય મેળવીને અનોખો ઇતિહાસ રચ્યો છે. આ રીતે બંને પગે અક્ષમ તેવી વ્યક્તિઓમાં એવરેસ્ટ સર કરનાર તેઓ વિશ્વના સૌથી પહેલા વ્યક્તિ છે. જોકે તેઓની સાથે સહાય કરવા અન્ય ચાર પર્વતારોહકો પણ હતા, પરંતુ હરિએ તેમની સહાય લીધા વગર આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.