યુરિનમાંથી પીવાનું પાણી બનાવવાના પ્રયોગમાં સફળતા મળી

Friday 05th August 2016 02:01 EDT
 
 

ન્યૂયોર્કઃ ગંદા પાણીમાંથી સ્વચ્છ પાણી બનાવવાના આજ સુધી અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે અને પદ્ધતિ વિકસાવવામાં આવી છે. વૈજ્ઞાનિકો દ્વારા હવે નવો પ્રયોગ સામે આવ્યો છે જે આવનારા સમયમાં વિશ્વની સૌથી મોટામાં મોટી સમસ્યાનો ઉકેલ લાવી શકશે. એક એવી ટેકનિક વિકસાવવામાં આવી છે જેમાં યુરિનમાંથી પીવાનું શુદ્ધ પાણી બનાવવામાં સફળતા મળી છે. બેલ્જિયમની યુનિવર્સિટી ઓફ ગેટમાં આ શોધ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ પ્રક્રિયાથી ખાતર પણ બનાવી શકાય છે જે વિકાસશીલ દેશો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે.

બેલ્જિયમની યુનિવર્સિટીના સંશોધકોની ટીમે સૂર્યઊર્જા અને ગાળવાના કેટલાક ખાસ સાધનનો ઉપયોગ કરીને સસ્તું અને ઉપયોગી મશીન બનાવ્યું છે. જે મૂત્ર અને તેમાંથી મળતાં એવશેષોનો છૂટાં પાડે છે. આ મશીનોને દુનિયાનાં ગ્રામીણ ક્ષેત્રો કે એવાં સ્થળોએ લગાવી શકાશે કે જ્યાં વીજળીની સમસ્યા હોય.

કેવી રીતે મળી સફળતા?

સંશોધકોનું કહેવું છે કે, આ માટે યુરિનને એક મોટી ટાંકીમાં એકઠું કરવામાં આવ્યું હતું. પછી સોલર પાવરથી ચાલનારા બોઇલરમાં ઉકાળીને દ્રાવણને ખાસ મોટી ગરણીમાંથી પસાર કરવામાં આવ્યું હતું જ્યાં પોટેશિયમ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવાં પોષક તત્ત્વો અને પાણીને અલગ થયું હતું.

૧,૦૦૦ લિટર પાણી

બેલ્જિયમના સેન્ટ્રલ ગેટમાં આયોજિત ૧૦ દિવસના સંગીત અને નાટકના કાર્યક્રમમાં આ ટેકનિકનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અહીં લોકોના એકઠા કરેલા યુરિનમાંથી ૧,૦૦૦ લિટર પાણી બનાવવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter