યુવક યુવતીના સ્વાંગમાં સજીધજીને પરીક્ષા આપવા પહોંચ્યો

Friday 26th January 2024 07:01 EST
 
 

ચંડીગઢઃ પરીક્ષામાં ચોરી કરનારા લોકો એવા એવા નુસખાનો ઉપયોગ કરે છે કે સાંભળીને મગજ ચકરાવે ચઢી જાય. પંજાબના ફરીદકોટમાં યુવતી બનીને પરીક્ષા આપવા પહોંચેલા આવા જ એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. બાબા ફરીદ યુનિવર્સિટીના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષામાં ફઝિલ્કાનો રહેવાસી અંગ્રેજસિંહ યુવતી બનીને પરીક્ષા આપવા પહોંચ્યો હતો. આ પરીક્ષા કોટકાપુરાની ડીએવી પબ્લિક સ્કૂલમાં આયોજિત કરવામાં આવી હતી.
યુનિવર્સિટી વહીવટી તંત્રે બાયોમેટ્રિક ડિવાઇઝથી આરોપીની ઓળખ કરી હતી. તેણે એક નકલી આધાર કાર્ડ અને વોટર આઇડી પણ બનાવી પોતાની પાસે રાખ્યા હતા.
યુવતીના કપડાં પહેરીને સજીધજીને આવેલા યુવકે બિંદી અને લિપસ્ટિક પણ લગાવ્યાં હતાં. તો તેણે હાથમાં કંગન પણ પહેર્યા હતાં. પણ યુવકે આવું ‘સાહસ’ કર્યું શા માટે? તેની પ્રેમિકાને મદદ કરવા માટે. ખરેખર તો તેની પ્રેમિકાએ પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું અને તેને પરીક્ષામાં બેસવાનું હતું, પણ તેને પોતાની આવડત પર ભરોસો નહોતો, અને યુવકને પોતાની હોંશિયારી માટે વધુ પડતો આત્મવિશ્વાસ હતો. આથી તે પ્રેમિકાને રાજી કરવા તેના બદલે પરીક્ષા આપવા જઇ બેઠો હતો. જોકે યુવતી જેવી વેશભૂષા અને સાજશણગાર સજવા છતાં યુવક ઝડપાઇ જ ગયો. હવે બન્ને સામે પગલાં લેવાઇ રહ્યા છે.

બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના કુલપતિ ડો. રાજીવ સુદના જણાવ્યા અનુસાર યુવાન અંગ્રેજસિંહ જેના બદલે પરીક્ષા આપવા આવ્યો હતો તેની ઓળખ પરમજીત કોર તરીકે કરવામાં આવી છે. કોર પણ ફઝિલ્કાની રહેવાસી છે. બન્નેની સામે તપાસ હાથ ધરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter