સુરજપુરઃ છત્તીસગઢના પ્રતાપપુર ગામ અને આસપાસના વિસ્તારમાં હાથીઓનો ત્રાસ એટલો માથાના દુઃખાવારૂપ બન્યો છે કે યુવાનો લગ્નથી વંચિત રહી જાય છે. આ વિસ્તારના ૧૦-૧૫ ગામડાંઓમાં હાથીઓનો એટલો ત્રાસ છે કે કોઈ મા-બાપ તેમની દીકરીઓને આ વિસ્તારમાં પરણાવતા નથી. છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં આવેલા પ્રતાપપુર વિસ્તારમાં છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી હાથીઓનો ત્રાસ વધ્યો છે. ૧૦-૧૫ ગામડાંઓમાં હાથીઓ હાહાકાર મચાવી રહ્યા છે. લોકો વિચારે છે કે પ્રતાપપુર વિસ્તારમાં દીકરીના લગ્ન થશે તો તેને પણ હાથીના ત્રાસનો સામનો કરવો પડશે. તેના કારણે પ્રતાપપુરના યુવાનોના લગ્ન થતા નથી. પ્રતાપપુરના યુવાનો સાથે લગ્ન થાય તો પણ એ વિસ્તારને બદલે કોઈ શહેરમાં કે સૂરજપુરમાં રહેવાની શરત સાથે જ મા-બાપ દીકરીના લગ્ન કરાવે છે. આ વિસ્તારમાં ગમેત્યારે ગામડાંમાં હાથીઓનું ટોળું ત્રાટકે છે અને બધું ખેદાન-મેદાન કરી નાખે છે. એટલું જ નહીં, ઘણી વખત લોકોનાં મોત પણ થાય છે. ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન છત્તીસગઢમાં હાથીઓના હુમલામાં ૨૦૪ લોકોનાં મોત થયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ રાજ્યમાં હાથીઓના હુમલામાં ૧૧ લોકો માર્યા ગયા હતા.