લંડનઃ બ્રિટનમાં ઉત્ખનન દરમિયાન ૨૫૦૦ વર્ષ પુરાણા માનવમગજના અશ્મિ મળ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે તે માટીમાં પણ સચવાયેલું રહ્યું છે. સંશોધકોના મતે આ મગજ એક કાપી નાંખવામાં આવેલી ખોપરીમાં એ પ્રકારે સચવાયું છે કે તે તેનું કરોડરજ્જુ સાથેનું જોડાણ પણ યથાવત્ છે. તેની સાથે બે મણકા પણ જોડાયેલા છે.
યોર્ક નજીક હેસલીંગ્ટનમાં આવેલી લોહકાલીન વસાહતના સ્થળે ૩૪ પુરાતત્વવિદોની ટીમ વર્ષ ૨૦૦૯થી ઉત્ખનન કરે છે. આ દરમિયાન ખોપરી અને મગજ મળી આવ્યા હતા. હવે તેના પર કરવામાં આવેલા રેડિયો કાર્બન ડેટીંગથી એવું નક્કી થયું છે કે આ ખોપરી જે વ્યક્તિની છે તે ઈસ્વી સન પૂર્વે છઠ્ઠા સૈકામાં વસતી હશે. તે સંજોગોમાં આ મગજ ૨૬૦૦ વર્ષ પુરાણું ગણાય. પરીક્ષણમાં એવું પણ તારણ કાઢવામાં આવ્યું છે કે આ વ્યક્તિ આશરે ૨૬થી ૪૫ વર્ષની હોવી જોઇએ. ગરદનના મણકાના પરીક્ષણ પરથી એ બાબત જાણવા મળી છે કે આ વ્યક્તિને પ્રથમ ગરદન પર સખત ફટકો મારીને કે બેભાન કર્યા બાદ તેનું મસ્તક સુઆયોજિત રીતે ધડથી અલગ કરી દેવાયું હશે.
સંભવ છે કે તેને નાની તિક્ષ્ણ છરીથી મસ્તકને કાપીને ધડથી અલગ કરાયું હશે. યોર્ક આર્કિયોલોજીકલ ટ્રસ્ટના મતે મગજનો નાશ નથી થયો અને તે અત્યાર સુધી સચવાઇ રહ્યું છે તેનું કારણ એ છે કે તે જે મેદાનમાં દટાયેલું હતું તે મેદાન ખૂબ જ રાખવાળું અને ભેજયુક્ત હતું. તેમાં ઓક્સિજન પ્રવેશી શકે તેમ ન હોવાથી તેનો નાશ થયો નથી, તેમ ચીફ રિસર્ચર રાશેલ ક્યુબિટે જણાવ્યું હતું.