મુંબઇઃ અબોલ જીવો માટેનો ઉદ્યોગપતિ રતન ટાટાનો પ્રેમ જગજાહેર છે. તેમણે રસ્તે રઝળતા-ભટકતા સ્ટ્રીટ ડોગ માટે કાર્યરત એક સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે. હવે રતન ટાટાના શ્વાન પ્રેમને ઉજાગર કરતો કિસ્સો સમાચારમાં છવાયો છે. રુબી ખાન નામની એક મહિલાએ તેની લિન્કડઈન પોસ્ટ પર એક સૂતેલા શ્વાનનો ફોટો પોસ્ટ કર્યો, જે મુંબઈની તાજ હોટેલમાં રહે છે. સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલા આ ફોટોમાં જોવા મળતો રસ્તા પર ફરતો સામાન્ય શ્વાન છે. રુબી ખાન હોટેલના એન્ટ્રન્સમાં જ આ શ્વાનને સૂતેલો જોઇને ચોંકી ગયા હતા અને તેમણે હોટેલ કર્મચારીને આ અંગે પૂછ્યું. રુબી ખાન કહે છે કે મને જે જવાબ મળ્યો તે સાંભળીને આ વાત સોશિયલ મીડિયા પર શેર કર્યા વિના રહી ન શકી. હોટેલ કર્મચારીનું કહેવું હતું કે આ શ્વાન જન્મથી જ મુંબઈની તાજ હોટેલમાં રહે છે. તે ગમે ત્યાં પણ ફરતો રહે છે પણ પાછો અહીં જ આવે છે અને કર્મચારીઓ પણ તેને ત્યાંથી ભગાડતા નથી. વાત આટલી જ નથી. રુબી ખાને પોસ્ટમાં લખ્યું કે રતન તાતા તરફથી હોટેલ સ્ટાફને સખત આદેશ છે કે આ શ્વાન હોટેલ પરિસરમાં પ્રવેશ કરે તો તેની સાથે કોઇ ખરાબ વ્યવહાર કરવામાં ન આવે. રુબી ખાનનું કહેવું છે કે સ્વાભાવિક છે કે આ પ્રકારની ટોચની હોટેલમાં એન્ટ્રન્સનું ખૂબ મહત્ત્વ હોય છે, પરંતુ અહીં તો શ્વાન શાંતિથી ઊંઘી રહ્યો હતો. કદાચ ભાગ્યે જ કોઇ મહેમાને તેના પર ધ્યાન આપ્યું હતું. આ જોઇને તેમણે રતન તાતાની ઉદારતા માટે ગૌરવની લાગણી અનુભવી હતી.