રતલામ: તમે ચાના રસિયા કહો તો રસિયા ને શોખીન ગણો તો શોખીન, ઘણા લોકો જોયા હશે, પણ આ તો ગજરાજની વાત છે. આ હાથીભાઇ ચાના જબરા શોખીન છે, અને તે પણ ચોક્કસ જગ્યાની ચાના. તેમની આ તલપ સંતોષવા માટે આ ગજરાજ દરરોજ સવારે નિયત સમયે બજારમાં પહોંચે છે, અને તેની માંગ પૂરી થયા પછી જ તેઓ આગળ ધપે છે.
ચાના શોખીન આ હાથીભાઇ રતલામમાં વસે છે. તેમની જીભે ચાનો એવો ચસ્કો ચઢ્યો છે કે, તેઓ વહેલી સવારે ચાની દુકાને પહોંચી જાય છે. બજારમાં પહોંચે છે અને સીધા જ ચાની દુકાને જઇને ઉભા રહે છે. રતલામની આ રોજિંદી ઘટના છે.
આ નિત્યક્રમ રતલામના દલુમોડી ચોક સ્થિત એક રેસ્ટોરાંનો છે. આ હાથી અહીંની ચાનો દીવાનો છે. દુકાનદાર પણ હાથીની પસંદગીથી વાકેફ છે. હાથી પહોંચે કે તરત જ તે બધા ગ્રાહકોને બાજુએ મૂકીને ઝડપથી ચા બનાવે છે અને હાથીને પોતાના હાથે ચા પીવડાવે છે.
આ સિલસિલો ક્યારથી શરૂ થયો? કહેવાય છે કે, એક દિવસ મહાવત હાથીને લઇને રોજની જેમ આ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. એક દિવસ જ્યારે તેઓ આ દુકાન પર અટક્યા તો દુકાનદારે પ્રેમથી આ હાથીને પણ ચા પીવડાવી હતી. બસ પછી તો જોઇએ જ શું... હાથીને ચાનો સ્વાદ એટલો ગમ્યો કે, તે દિવસથી આજની તારીખે તેણે ચા પીવાનો નિયમ બનાવી દીધો છે.
હાથી પણ સમયનો પાબંદ છે. સવારે 8 વાગ્યાની સાથે જ તે મહાવત સાથે દુકાનની સામે આવીને ઉભો રહી જાય છે. દુકાનદાર પણ આ હાથી માટે ખૂબ પ્રેમથી ચા બનાવે છે અને એક મોટું તપેલું ભરીને તેને ચા પીવડાવે છે. હાથીભાઇની ચા પણ સંપૂર્ણપણે મફત છે.
હવે આ ચા-પ્રેમી હાથીને જોવા માટે લોકો પણ આ દુકાન પર ભેગા થવા લાગ્યા છે, અને દુકાનદારનો ધંધો પણ વધ્યો છે. હાથીના ચા પ્રત્યેના આ પ્રેમને જોઈને દરેકને આનંદ થાય છે. હાથીભાઇનો આ દુકાનદાર પ્રત્યેનો પ્રેમ એવો પણ છે કે, તે દાલુમોદી ચોકમાં આવેલી અનેક દુકાનોમાંથી માત્ર આ જ સ્થળે ચા પીવાનું પસંદ કરે છે. કોઈ અન્ય ચા વેચનાર તેને ચા આપવાનો પ્રયત્ન કરે છે, ત્યારે હાથીભાઇ સુંઘે છે જરૂર પણ, પછી ચા પીધા વગર જ આગળ વધી જાય છે.
હવે તો આ દુકાનદાર અને આસપાસના લોકો પણ રોજ સવાર પડતાં જ હાથીભાઇની રાહ જુએ છે. લોકો તેમને ચા પીતાં જોયા પછી જ તેમનું કામ શરૂ કરે છે.