રશિયામાં બિલિયન ડોલર વેડિંગ

Friday 01st April 2016 07:11 EDT
 
 

મોસ્કોઃ કઝાખસ્તાનના બિલિયોનેર બિઝનેસમેન મિખાઇલ ગુસ્તેરિવના ૨૮ વર્ષના દીકરા સઈદ ગુસ્તેરિવનાં તાજેતરમાં ૨૦ વર્ષની ખાદિજા ઉજહાખોવા નામની કન્યા સાથે અત્યંત ઝાકઝમાળભર્યા સમારોહમાં લગ્ન થયાં. લગ્નસમારંભ પાછળ ખર્ચાયેલા નાણાનો આંકડો તો જાહેર થયો નથી, પરંતુ એક અંદાજ મુજબ લગ્ન પાછળ અંદાજે એક બિલિયન ડોલર ખર્ચાયા છે. વિશ્વના કદાચ આ સૌપ્રથમ બિલિયન ડોલર વેડિંગ છે. ભારતીય ચલણમાં ગણો તો આંકડો ૬૨૨૦ કરોડ રૂપિયા થાય.

‘ફોર્બ્સ’ના અહેવાલ અનુસાર, ઓઇલ ટાઇકુનની કુલ સંપત્તિ લગભગ ૬.૨ બિલિયન ડોલર કરતાં પણ વધુ છે. આ ગ્રાન્ડ મેરેજ સેરેમનીમાં જેનિફર લોપેઝથી માંડીને હોલિવૂડના બેસ્ટ સિંગરોએ પરફોર્મ કર્યું હતું. ૬૦૦ મહેમાનોને યુરોપિયન ભોજન પીરસવામાં આવ્યું હતું. વેડિંગ કેક નવ લેયરની હતી એટલે કે એક માણસની સાઇઝ કરતાં પણ તે મોટી હતી.

દુલ્હનનું ગાઉન ખાસ પેરિસથી ડિઝાઇન કરાવવામાં આવ્યું હતું જેની કિંમત હતી લગભગ ૨૫ હજાર ડોલર. ૧૨ કિલો વજન ધરાવતા ઘેરદાર ગાઉનને કારણે કન્યા બરાબર ચાલી પણ નહોતી શકતી. બિલિયોનેરનો દીકરો સઈદ બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સ્ટડી કરી ચૂક્યો છે. તેની પત્ની ખાદિજા ડેન્ટિસ્ટ્રીની સ્ટુડન્ટ છે.

લગ્નસમારંભ ૨૬ માર્ચે મોસ્કોની એક લક્ઝરી રેસ્ટોરાંમાં યોજાયો હતો. વેડિંગના સ્થળની બહાર મહેમાનોને લાવવા-લઈ જવા માટે સેંકડો રોલ્સ રોયસ્ ગાડીઓ સુંદર કન્યાઓના એસ્કોર્ટ સાથે સજ્જ હતી. લગ્નસમારંભ સાફિસા નામની પોશ હોટેલમાં યોજાયો હતો. આ સમારંભ માટેનું ફર્નિચર ખાસ પેરિસથી લાવવામાં આવ્યું હતું તો લગ્નસમારંભ જે હોલમાં હતો એની ટોપ-ટુ-બોટમ દિવાલ સાચા વિદેશી ફૂલોની સજાવટથી ભરચક હતી.

કહેવાય છે કે આ તો હજી લગ્નનો પહેલો જ ભાગ હતો. લગ્ન પછીની બીજી પાર્ટી લંડનમાં યોજાવાની છે એ પણ આવી જ ભવ્ય હોવાની હોવાની સંભાવના છે.

આ જલ્સો કેવો ભવ્યો હતો તેનો તસવીરી નજારો અહીં રજૂ કર્યો છે. ઝલક નિહાળવા માટે અહીં આપેલા નાના ફોટોગ્રાફ્સ પર ક્લીક કરો...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter