સીકરઃ રાજસ્થાનમાં આવેલા સીકર જિલ્લાના ગામ રશીદપુરા કોરીના રેલવે સ્ટેશનનું સંચાલન સરકાર કે રેલવે તંત્ર હસ્તક નથી, પણ ગામવાળાના હાથમાં છે. સ્ટેશન રશીદપુરાના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, વર્ષ ૨૦૦૫માં રેલવે તંત્રએ જાણ કરી કે, ઉત્તર-પશ્ચિમ જયપુર ડિવિઝનમાં આવતું આ રેલવે સ્ટેશન વર્ષોથી ખોટમાં ચાલી રહ્યું છે તેથી બંધ કરાઈ રહ્યું છે. સ્ટેશનને તાળાં વાગવાથી આજુબાજુના લગભગ ૨૦ હજાર ઉતારુઓ સામે અચાનક સમસ્યા ઊભી થઈ ગઈ. એ પછી ૨૦૦૯માં ગામવાળા અને જનપ્રતિનિધિઓના ભારે દબાણથી રેલવે તંત્રએ ફરી સ્ટેશન શરૂ કરવાની પરવાનગી આપી, પણ સાથે શરત મૂકી કે, આ સ્ટેશન ફરી ચાલુ કરવા માટે રેલવેનું ટાર્ગેટ વર્ષમાં ત્રણ લાખ રૂપિયાની ટિકિટ વેચવાનું છે. જો ત્રણ લાખ રૂપિયાની ટિકિટ નહીં વેચાય તો સ્ટેશન ફરી બંધ કરી દેવાશે. ગામવાળાઓએ શરત મંજૂર રાખી.
વર્ષ ૨૦૦૯થી આ રેલવે સ્ટેશન પર ટિકિટ લેવાથી સિગ્નલ આપવા અને સ્ટેશનની સાફસફાઈની સંપૂર્ણ જવાબદારી ગામવાળાઓના હાથમાં છે. ગામલોકોએ ૨૦૦૯થી એ નિર્ણય પણ લેવાયો કે ટિકિટનો ટાર્ગેટ પૂરો ન થાય તો ગામવાળા મળીને દર વર્ષે ત્રણ લાખ રૂપિયાની ટિકિટ ખરીદી લેશે. પરસ્પરની સંમતિથી નક્કી થયું કે આ સ્ટેશનેથી જે ઉતારુ બેસે તેણે પાંચ ટિકિટ ખરીદવાની રહેશે. આ રેલવે સ્ટેશન પરના ટિકિટ બુકિંગબુથ પર પણ ગામના લોકો જ બેસે છે. આવી રીતે આ રેલવે સ્ટેશન હજી ચાલી રહ્યું છે.