અલીરાજપુરઃ ‘કેરીની મલ્લિકા’ના ચાહકો માટે મધ્ય પ્રદેશથી રસીલા સમાચાર છે. રસદાર - કસદાર અને વજનદાર ફળ માટે વિખ્યાત ‘નૂરજહાં’નો આ વર્ષે પૂરબહાર પાક ઉતરવાના અહેવાલ છે. ગયા વર્ષે આ કેરીનો પાક જીવાતના પ્રકોપથી બરબાદ થઇ જતાં સ્વાદશોખીનો તેની લિજ્જત માણવાથી વંચિત રહી ગયા હતા. કેરી ફળોનો રાજા ગણાય છે તો ‘નૂરજહાં’ તેના અનોખા ગુણોના કારણે મલ્લિકા તરીકે નામના ધરાવે છે.
અફઘાનિસ્તાની મૂળની મનાતી આ કેરીની પ્રજાતિ ‘નૂરજહાં’ના ગણ્યાગાંઠ્યા ઝાડ મધ્ય પ્રદેશના અલીરાજપુરના કટ્ટીવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. ‘નૂરજહાં’નાં ફળ આશરે એક ફૂટ જેટલા લાંબા હોઇ શકે છે. તેની ગોટલીનું વજન જ ૧૫૦થી ૨૦૦ ગ્રામ જેટલું હોય છે. ‘નૂરજહાં’ના ફળોની મર્યાદિત સંખ્યાના કારણે સ્વાદશોખીનો આ ફળ જ્યારે ઝાડ પર લટકવા લાગે ત્યારે જ બુકિંગ કરી લેતા હોય છે. માગ વધવાથી તેના એક ફળની કિંમત ૫૦૦ રૂપિયા સુધી પહોંચી જાય છે.
ઇન્દોરથી આશરે ૨૫૦ કિલોમીટરના અંતરે કટ્ટીવાડામાં ઉગતી આ પ્રજાતિના નિષ્ણાત ઇશાક મંજૂરીએ જણાવ્યું કે, ‘આ વખતે મોસમની મહેરબાનીથી નૂરજહાંના વૃક્ષો પર બહુ ફળ લાગ્યા છે. તેથી અમે તેના સારા પાકની આશા રાખીએ રહ્યા છીએ. ગયા વર્ષે નૂરજહાંના ચાહકો બહુ નિરાશ થયા હતા, કારણ કે જીવાતના કારણે તેનો આખો પાક બરબાદ થઈ ગયો હતો.’
મંસૂરી કહે છે કે ગયા વર્ષે કિટ જીવાતે અચાનક દેખા દીધી હતી અને ‘નૂરજહાં’ના ફૂલ ફળ બને તે પહેલાં જ સાફ કરી નાખ્યા હતા. આખો પાક ખલાસ થઈ ગયો હતો. જોકે આ વખતે બમ્પર પાકથી ઉત્સાહિત મંસૂરી કહે છે કે આ વર્ષે કુદરતની કૃપા અને યોગ્ય દેખરેખથી નૂરજહાંના વૃક્ષોમાં ભારેભરખમ ફળો આવ્યા છે. લોકો મનભરીને તેની મજા લઈ શકશે.
૩ કિલોની એક કેરી!
મંસૂરીએ જણાવ્યું કે ‘નૂરજહાં’ના વૃક્ષો પર જાન્યુઆરીથી ફળ આવવાની શરૂઆત થઇ હતી અને જૂનના અંત સુધી ફળ પાકીને તૈયાર થઇ જશે. આ વખતે એક ફળનું સરેરાશ વજન ૨.૫ કિલો રહેવાનું અનુમાન છે. આમ તો ચોંકાવનારી વાત એ છે કે આ ફળનું વજન એક સમયે ૩.૫ કિલોથી ૩.૭૫ કિલોની વચ્ચે રહેતું હતું. નિષ્ણાતોના જણાવ્યા મુજબ છેલ્લા એક દાયકા દરમિયાન ચોમાસામાં વિલંબ, અપૂરતો કે વધુ પડતો વરસાદ, હવામાનમાં તીવ્ર ઉતાર-ચઢાવ વગેરેના કારણે ‘નૂરજહાં’નું વજન સતત ઘટી રહ્યું છે.
બાળકની જેમ કાળજી
ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે કેરીની દુર્લભ પ્રજાતિ પર સંકટ ઘેરાઈ રહ્યું છે. મંસૂરીએ જણાવ્યું કે, અગાઉના વર્ષોમાં કટ્ટીવાડાની બહારના વિસ્તારોમાં ઘણા લોકોએ ‘નૂરજહાં’ની વાવણી કરી હતું, પરંતુ રોપા ક્યારેય મોટા થઈ શક્યા જ નહીં. કેરીની આ પ્રજાતિ હવામાનના ઉતાર-ચઢાવ અંગે બહુ સંવેદનશીલ છે. તેની દેખરેખ આપણે જેમ કોઈ નાના બાળકનો ઉછેર કરીએ છીએ તેવી કાળજી સાથે કરવી પડે છે.