કેલવાડા (રાજસ્થાન)ઃ ગામનું નામ ચિત્ર-વિચિત્ર હોય તેવા તો ઘણાં ગામ જોવા મળતા હોય છે, પણ રાજસ્થાનના કેલવાડામાં કિશનગંજ તાલુકાના એક ગામનું નામ ત્યાં વસેલા જમાઇઓના નામે થઇ ગયું છે. આમ તો ગામનું નામ ગણેશપુરા હતું, પણ હવે લોકબોલીની સાથે સાથે સરકારી દસ્તાવેજોમાં પણ તે જમાઇપુરા તરીકે જ ઓળખાય છે. વાત એમ છે કે રોજગારીની વિપુલ તકો હોવાથી ૨૫ વર્ષ અગાઉ ગણેશપુરાના ઘણાં જમાઇઓ ગામમાં જ વસી ગયા હતા. તેના કારણે સમય જતાં ગામનું નામ જ જમાઇપુરા પડી ગયું.
આજે ગામમાં અંદાજે ૫૦ ઘરમાં ૨૫૦ લોકો રહે છે. ગામનો ઇતિહાસ પણ ઘણો રોચક છે. ૨૫ વર્ષ અગાઉ આ વિસ્તાર ઘણો સમૃદ્ધ હતો. નદીઓનું ખળખળ વહેતું પાણી, ચોમેર લીલોતરી, શેરડીના ખેતરો હોવાથી આ વિસ્તારમાં રોજગારીની અછત નહોતી. આથી ઘણાંએ ગણેશપુરા નજીકની ખાલી જમીનો પર જ ઘર બનાવી લીધા ને જમીનદારોને ત્યાં મજૂરી કરવા લાગ્યા હતા. ધીમે-ધીમે ગામના બીજા જમાઇઓ પણ ગણેશપુરા આવીને વસવાટ કરવા ગયા. પછી તો ગામ જમાઇપુરા તરીકે જ ઓળખાવા લાગ્યું. અહીં સહરિયા સમાજના લોકો વસેલા છે. રેશન કાર્ડ અને આધાર કાર્ડમાં પણ ગામવાસીઓ હવે જમાઇપુરા (ગણેશપુરા)ના રહેવાસી તરીકે ઓળખાય છે.
ગામના બલરામ સહરિયા જણાવે છે કે, ‘મારા લગ્ન ૨૦ વર્ષ અગાઉ ગણેશપુરામાં થયા હતા. ત્યારે આ વિસ્તાર રોજગારીની દષ્ટિએ બહેતર હતો. હું થોડોક સમય સાસરીમાં રહ્યો અને પછી ખાલી પડેલી આ જમીન પર ઘર બાંધીને કાયમી ધોરણે અહીં જ વસી ગયો. ધીમે-ધીમે અન્ય ઘણાં લોકો અહીં આવીને વસી જતાં ગામને જમાઇપુરા તરીકે ઓળખ મળતી ગઇ. અને આજે ગણેશપુરા ગામ જમાઇપુરાના નામે જ ઓળખાય છે.’