હિંડૌલીઃ રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડૌલી કસ્બામાં એક અનોખી પ્રથા છે. લગ્નોત્સુક યુવકો મંદિરમાંથી પાર્વતીજીની મૂર્તિ ચોરી જાય છે. એટલું જ નહીં, લગ્ન થઇ ગયા બાદ તેઓ આ જ મૂર્તિ પાછી મૂકી જાય એટલે બીજો કોઇ કુંવારો યુવક ચોરી જાય. અલબત્ત, હાલ લોકડાઉનના કારણે લગ્નો નથી થઇ રહ્યાં તેના કારણે મંદિરમાં મૂર્તિ પાછી આવી શકતી નથી તો બીજી તરફ કુંવારાઓની લાઇન પણ ઓછી થઇ રહી નથી.
રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડૌલી કસ્બામાં એક એવું મંદિર છે કે જ્યાંથી મૂર્તિ ચોરી જવા બદલ કોઇ પોલીસ કેસ થતો નથી. અહીંના રામસાગર સરોવરના કાંઠે રઘુનાથ ઘાટ મંદિરેથી પાર્વતીજીની મૂર્તિ ચોરવા પાછળનું કારણ અનોખું છે. પ્રાચીન કાળથી એવી માન્યતા છે કે જે યુવકનાં લગ્ન ન થતાં હોય તે જો આ મંદિરમાંથી પાર્વતીજીની મૂર્તિ ગૂપચૂપ ચોરી જાય તો તેનાં લગ્ન જલદી થઇ જાય છે. આ જ કારણથી કુંવારા યુવકો મંદિરમાંથી પાર્વતીજીની મૂર્તિ રાત્રે ગૂપચૂપ ચોરી જાય છે.
મંદિરમાં મહાદેવજી (શિવલિંગ)ની બાજુમાં જ પાર્વતીજીની મૂર્તિ સ્થાપિત છે, પણ મહાદેવજી સાથે પાર્વતીજી ભાગ્યે જ જોવા મળે છે. કુંવારા યુવકો પાર્વતીજીની મૂર્તિ ચોરી જવા ટાંપીને જ બેઠા હોય છે. હાલ કેટલાય દિવસોથી પાર્વતીજી મહાદેવજીથી વિખૂટા પડી ગયા છે. તેઓ કોઇ કુંવારા યુવકના ઘરે હોમ ક્વોરેન્ટાઇન છે.
લોકડાઉનના કારણે આ વખતે અખાત્રીજ જેવા વણજોયા શુભ મુહૂર્ત પર પણ લગ્નો ન થયાં. જો વહેલી તકે લોકડાઉન ન ખૂલ્યું અને લગ્નો ન થયાં તો આગામી ચોથી જુલાઇથી ૪ મહિના માટે દેવ પોઢી જશે. આ સંજોગોમાં પાર્વતીજી મહાદેવજી પાસે જલદી પાછાં ફરે તેવી શક્યતા ઓછી છે. આમ લાઇનમાં લાગેલા કુંવારાઓએ આ વખતે લાંબી રાહ જોવી પડશે. આ મંદિરમાં છેલ્લાં ૩૫ વર્ષથી પૂજારી તરીકે સેવા આપી રહેલા રામબાબુ પરાશર જણાવે છે કે અત્યાર સુધીમાં અનેક વખત પાર્વતીજીની મૂર્તિ ચોરાઇ ચૂકી છે. ચોરનારનાં લગ્ન પણ થઇ ચૂક્યાં છે. અમને ચોરીની ખબર પડી જાય તો પણ કોઇને ટોકતા નથી. વર્ષમાં માંડ એક-બે મહિના જ પાર્વતીજીની મૂર્તિ મંદિરમાં બિરાજેલી રહી શકે છે. તેઓ મંદિરમાં પાછા ફરે એટલામાં તો ફરી કોઇ તેમને ચોરી જવાની રાહ જોઇને બેઠું જ હોય છે.