રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં આવેલા સાંચોર ગામમાં ૧૯ જૂને વહેલી સવારે આકાશમાંથી એક ઉલ્કાપિંડ આવીને પડ્યો હતો. ધડાકાભેર અવકાશમાંથી આવી પડેલા ઉલ્કાપિંડના કારણે લોકો ભેગા થઈ ગયા હતા અને ત્યાં તેમને મોટા પથ્થર જેવી ચીજ જોવા મળી હતી. આ પછી પોલીસ અને સ્થાનિક અધિકારીઓને બોલાવાયા હતા. સવારે ૭-૦૦ વાગ્યે સાંચોરમાં પડેલા આ ઉલ્કાપિંડ જેવા મોટા પથ્થરનું વજન આશરે ૨.૮ કિલો છે. આ પથ્થર એટલા જોશથી પૃથ્વી સાથે ટકરાયો હતો કે તેના કારણે ત્રણેક ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. આ પથ્થર ઠંડો પડ્યા બાદ આ તેનો રંગ કાળો થઈ ગયો હતો. હવે તેને દિલ્હીસ્થિત ખગોળવિજ્ઞાનની પ્રયોગશાળામાં વધુ અધ્યયન માટે મોકલવામાં આવશે.