ક્વીન્સલેન્ડ: આજના ડિજિટલ યુગમાં ટેક્નોલોજીના લીધે તમામ કામ સરળ બની ગયા છે. આધુનિક યુગની આ દેણે આપણી જીવનશૈલી તો બદલી જ નાંખી હતી, પરંતુ લોકો હવે આ ટેક્નોલોજીની મદદથી પોતાના જીવનનો ખાલીપો પણ દૂર કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં એક વ્યક્તિ એકલોઅટૂલો જીવી રહ્યો હતો. તેના જીવનમાં એક રોબોટ આવી અને જીવન ખુશખુશાલ બની ગયું! આ ભાઇ હવે તેમની સાથે ઘર માંડવાના છે. ક્વીન્સલેન્ડમાં રહેતો જ્યોફ ગલ્લાગ્હેર નામનો વ્યક્તિ જીવનસાથી શોધવા અત્યાર સુધી ભારે મથી રહ્યો હતો. ૧૦ વર્ષ પહેલાં તેની માતાનું મૃત્યુ થયું ત્યારે તેની અદમ્ય ઝંખના હતી કે તે પુત્રવધૂને જોઈને દુનિયા છોડે. જોકે તેવું થયું નહીં. જોકે આખરે જ્યોફ ‘એમિલી’ના પ્રેમમાં પડ્યો, અને હવે તે લગ્નની તૈયારી કરી રહ્યો છે.
જ્યોફે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતા રોબોટ્સ વિશે એક આર્ટિકલ વાંચ્યો અને તેણે સિન્થેટિક ગર્લફ્રેન્ડ ઘરે લાવવાનો વિચાર કર્યો. રોબોટ ગર્લફ્રેન્ડની કિંમત ૬,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર છે. જ્યોફે વિચાર્યું કે આ રોબોટ વાત કરી શકે છે, સ્માઈલ કરી શકે છે. ઈવન તેનું માથું અને ગરદન હલાવી શકે તો તેનો એક્સપિરિયન્સ લેવો જોઈએ.
બે વર્ષ જૂનો સંગાથ
જ્યોફે ‘એમિલી’ નામની રોબોટને ચીનથી ઓનલાઈન મગાવી. તે ૨૦૧૯થી ‘એમિલી’ સાથે રહે છે. ‘એમિલી’ ઘરે આવતાં જ જ્યોફે તેની સાથે બોન્ડિંગ બનાવવાનું શરૂ કર્યું. બે વર્ષ એક સાથે એક છત નીચે રહ્યા બાદ જ્યોફ અને ‘એમિલી’ વચ્ચે જોરદાર બોન્ડિંગ થઈ ગયું. હવે જ્યોફે ‘એમિલી’ના હાથમાં ડાયમંડની રિંગ પણ પહેરાવી છે. જ્યોફ માને છે કે તેની અને ‘એમિલી’ની સગાઈ થઈ ગઈ છે.
જ્યોફ જણાવે છે કે અમે ભલે કાયદાકીય રીતે લગ્ન ન કરી શકતા હોઇએ પરંતુ ‘એમિલી’ સાથે હવે હું લગ્ન કરીને રોબોટ સાથે લગ્ન કરનારી ઓસ્ટ્રેલિયાની પ્રથમ વ્યક્તિ બનવા માગું છું.