ન્યૂ યોર્કઃ અમેરિકી મોડેલ આઇરિસ એપ્ફેલે ૯૭ વર્ષની ઉંમરે વિશ્વની સૌથી મોટી મોડેલ મેનેજમેન્ટ કંપની આઇએમજી સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. જિંદગના આ તબક્કે પણ કામ?! આઇરિસ કહે છે કે રિટાયરમેન્ટ મોતથી પણ બદતર છે.
મોડેલીંગ કોન્ટ્રાક્ટ કર્યા બાદ ખુશખુશાલ આઇરિસ કહે છે, ‘આ સિદ્ધિથી હું ખૂબ ઉત્સાહિત છું. જિંદગી આ ઉંમરે મને આટલું આપશે તેવું તો મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. હું ક્યારેય આ માટે તૈયાર નહોતી. આ બધું અચાનક બન્યું. કોણ વિચારી શકે કે આ ઉંમરે હું કોઈ મેગેઝિનની કવર ગર્લ બનીશ. મારું માનવું છે કે કોઈ પણ વ્યક્તિએ નિવૃત્ત ન થવું જોઈએ. રિટાયરમેન્ટ મોતથી પણ બદતર હોય છે. મને કામ કરવું ગમે છે, હું મારા કામને ચાહું છું.’
આઇએમજી મોડેલ્સ અને આઇએમજી ફેશન એન્ડ પ્રોપર્ટીઝના પ્રેસિડેન્ટ ઇવાન બાર્ટ જણાવે છે કે આઇરિસનો ઉત્સાહ પ્રશંસાપાત્ર છે. તેઓ ફેશન આઇકન ઉપરાંત બિઝનેસમેન અને ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે. આ કોન્ટ્રાક્ટ પછી તેઓ ગિગિ હદીદ, ગિસેલ બુંડચેન, લિલી એલ્ડ્રિજ અને હલિમા એડન જેવી બ્રાન્ડ્સ માટે કામ કરશે. તે માટે આઇએમજી તેમને મોડેલિંગ પ્રોજેક્ટથી માંડીને તમામ સુવિધાઓ આપશે.