લંડનઃ આપણે ફિલ્મી પરદે તો અનેક વખત સ્પાઇડર મેનના કરતબ નિહાળી ચૂક્યા છીએ, પરંતુ લંડનમાં સાચુકલો સ્પાઇડર મેન જોવા મળ્યો છે તેવું કોઇ કહે તો? એક સમયે લંડન બ્રિજ ટાવર તરીકે જાણીતા લંડનના ધ શાર્ડ બિલ્ડિંગ પર ગયા સપ્તાહે સવારે એક અજાણ્યો ફ્રી-ક્લાઇમ્બર કોઇ પણ જાતના સેફ્ટી સાધનો કે દોરડાની મદદ વગર ચડી ગયો હતો, અને કોઇને જાણ પણ થઇ નહોતી. માત્ર લંડનના જ નહીં, યુરોપ ખંડના સૌથી ઊંચા ગણાતા ધ શાર્ડ બિલ્ડિંગની સિક્યોરિટી ઘણી ટાઇટ મનાય છે, છતાં આ ફ્રી-ક્લાઇમ્બર સંપૂર્ણપણે ગ્લાસના બનેલા ટાવર પર ચડી ગયો હતો. ઘટના સાતમી જુલાઇ વહેલી સવારના પાંચ વાગ્યાની છે. કોઈક રાહદારીએ આ સ્કાયક્રેપર પર એક વ્યક્તિને ચઢતો જોઈને પોલીસને ફોન કર્યો હતો. તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જોકે એ પહેલાં તો જાંબાઝ ક્લાઇમ્બર સૌથી ઉપરના એટલે કે ૯૫મા માળ સુધી પહોંચી ગયો હતો. પોલીસે ક્લાઇમ્બરની ધરપકડ કર્યા વિના જ તેને છોડી મૂક્યો હતો. જોકે એની ઓળખ જાહેર કરાઇ નથી. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં પણ એક ફ્રી-ક્લાઇમ્બર કોઈને ખબર ન પડે એ રીતે કોઈ સેફ્ટીનાં સાધનો કે દોરડાની મદદ વિના જ ચડી ગયો હતો.