જયપુરઃ રાજસ્થાનના નાગૌરના મામેરા મુગલોના સમયથી પ્રસિદ્ધ હતા. હવે ફરી એક વખત નાગૌરનું મામેરું ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરોમાં લખાયું છે. નાગૌરના છ ભાઇઓએ અહીંના મામેરાને ફરી ચર્ચાનો વિષય બનાવ્યો છે. દૂધના વેપારીઓએ તેમની સૌથી નાની બહેનને ત્યાં 8 કરોડ રૂપિયાનું મામેરું ભર્યું છે.
બહેનના ઘરે ભાઇઓ બળદગાડું લઇને પહોંચ્યા તો એક તબક્કે તો લોકો હસવા લાગ્યા હતા પણ પાછળ આવી રહેલો 1000 કારનો કાફલો અને દેશી ઘી તથા ખાંડથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી જોઇને આખું ગામ ચોંકી ગયું.
નાગૌર જિલ્લાના ઢિગસરાના રહેવાસી ભાગીરથ રામ મેરિયા (ભાજપ નેતા) અને તેમના પાંચ ભાઇઓએ રાયધનુના ગોદારા પરિવારમાં તેમની બહેન ભંવરીદેવીના ઘરે લગ્નપ્રસંગમાં ભરેલું આ મામેરું ભારે ચર્ચામાં છે. છ ભાઇઓ ભંવરીદેવીને ત્યાં નાગૌરી નસલના બળદોની જોડ લઇને પહોંચ્યા હતા. જેની પાછળ ધાન, ખાંડ, દેશી ઘી તથા બીજું અનાજ ભરેલી ટ્રેક્ટર ટ્રોલી અને તેની પાછળ 1000 કારનો અંદાજે બે કિમી લાંબો કાફલો હતો.
ગામમાં ચાંદીના સિક્કા વહેંચ્યાં
બહેન ભંવરીના માથે ચુંદડી ઓઢાડી ભાઇઓએ મામેરું ભરવાનું શરૂ કર્યું. મામેરામાં 100 વીઘા જમીન, નેશનલ હાઇવે પર એક વીઘાનો પ્લોટ, નવું ટ્રેક્ટર અને ટ્રોલી, ગોળનો રવો, દેશી ઘી ભરેલો ઘડો, સવા કિલો સોનું, 14 કિલો 250 ગ્રામ ચાંદી, 2.21 કરોડ રૂપિયા રોકડા તથા બહેનની સાસરીમાં એટલે કે રાયધનુ ગામમાં દરેક ઘરને એક-એક ચાંદીનો સિક્કો અને ધાબળો વહેંચ્યા હતા.
એક ગામમાં 3 કરોડનું મામેરું ભરાયું
થોડા દિવસ અગાઉ નાગૌરના ડેહ તાલુકાના બુરડી ગામમાં પણ 3 કરોડ રૂપિયાનું મામેરું ભરાયું હતું પણ હવે ટિંગસરા ગામનું મામેરું બધા રેકોર્ડ તોડી ચૂક્યું છે. છેલ્લા એક વર્ષમાં નાગૌરના 10થી વધુ મામેરા સોશિયલ મીડિયામાં છવાઇ ચુક્યા છે.