ગાંધીનગરઃ શહેરના સીમાડે આવેલા રૂપાલ ગામમાં આસો સુદ નોમ એટલે કે રવિવારે રાત્રે વરદાયિની માતાનો પલ્લી મેળો ભરાયો હતો. મહાભારતકાળથી ગામમાં યોજાતા પલ્લી મેળામાં આ વખતે પણ જાણે શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો હોય તેમ ૧૫ લાખથી વધુ ભક્તો ઉમટી પડયા હતા. એટલુ જ નહીં, આ ભક્તો દ્વારા પલ્લી પર સાડા ચાર લાખ કિલોગ્રામ ચોખ્ખા ઘીનો અભિષેક કરાયો હતો. બજારકિંમત પ્રમાણે આશરે ૧૮થી ૨૦ કરોડ રૂપિયાના ઘીના અભિષેકથી ગામમાં જાણે ચોખ્ખા ઘીની નદી વહેતી હોય તેવું દૃશ્ય સર્જાયું હતું.
વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાના મેનેજર અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રવિવારની મધ્યરાત્રિએ વિવિધ ધર્મ અને સંપ્રદાયના લોકો દ્વારા પૂજનવિધી બાદ વહેલી પરોઢે ચાર વાગ્યાની આસપાસ માતાજીની પલ્લીનું મોટા માઢમાંથી પ્રસ્થાન કરાયું હતું. જનમેદની વચ્ચેથી પસાર થતી પાંચ જ્યોતવાળી આ પલ્લી અલૌકિક દેખાતી હતી. તેના દર્શન કરવાની સાથે સાથે તેના ઉપર માનતાનું અસંખ્ય કિલોગ્રામ ઘી ચઢાવાતું હતું. જેના માટે દરેક ચોકમાં ચોખ્ખા ઘી ભરેલા ટેન્કરો રાખવામાં આવ્યા હતા. પલ્લી ગામના ૨૭ ચકલા ફરીને સોમવારે સવારે ૭.૩૬ કલાકે મંદિરે પરત પહોંચી હતી. લોકો ભલે મોંઘવારીની ફરિયાદ કરતા હોય, પણ માતાજી પ્રત્યેની તેમની શ્રદ્ધામાં સ્હેજ પણ ઓટ જોવા મળતી નહોતી.
આ વર્ષે સંચાલકોના અનુરોધથી સેંકડો ભાવિકો દ્વારા ઘીનો અભિષેક કરવાના બદલે તેટલી જ દાન કરવામાં આવ્યું હતું. આમ છતાં પ્રાથમિક અંદાજ મુજબ પરિક્રમા દરમિયાન પલ્લી પર ૪.૫ લાખ કિલોગ્રામ ચોખ્ખા ઘીનો અભિષેક થયો હતો. આ ઘીના જથ્થાનું મૂલ્ય - આજના બજારભાવ પ્રમાણે આશરે ૧૮થી ૨૦ કરોડ રૂપિયાનું થાય છે.
પલ્લી પર ઘીના ચઢાવાથી જાણે ગામના રસ્તાઓ-ગલીઓમાં ચોખ્ખા ઘીની નદી વહેતી હોય તેવા અલૌકિક દૃશ્યો સર્જાયા હતા.
મંદિર પ્રશાસન, સરકારી તંત્ર અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી આ પલ્લી યાત્રા કોઇ પણ વિઘ્ન વગર પૂર્ણ થઇ હતી અને સોમવાર સવાર સુધી પલ્લીના દર્શનાર્થે ભક્તોનો પ્રવાહ રૂપાલ તરફ વહેતો જોવા મળતો હતો.
ઇતિહાસ પર નજર
પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે સંતાડયા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. જંગલોની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. આ પછી હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કૃષ્ણ સાથે પાંડવો ફરી અહીં આવ્યા હતા અને સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી. બસ તે સમયથી એટલે કે પાંચ હજાર વર્ષથી રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીનો મેળો પ્રતિ વર્ષ નવરાત્રી પર્વના નવમા નોરતે યોજાય છે.