લંડનઃ ચેલ્ટનહામ ફેસ્ટિવલ દરમિયાન વિશ્વના પ્રથમ રોબોટ જોકીને જાહેરમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઘોડેસવારીની રેસમાં પહેલી વખત મેદાનમાં આ રોબો જોકી ટ્રેક પર જોવા મળ્યો હતો. જોકે, તેને રેસમાં ભાગ લેવાની મંજૂરી મળી ન હતી. રોબો જોકી બનાવનાર બેટબ્રાઈટ કંપનીનું માનવું છે કે ૨૦૨૫ સુધીમાં આ રોબો જોકીને રેસમાં ભાગ લેવાની પરવાનગી મળી જશે.
એઆઈ ટેક્નીકથી સજ્જ આ રોબો જોકી ઘોડાને કલાકના ૪૮ કિ.મી.ની ઝડપે દોડાવી શકે છે. સ્ટીલમાંથી બનાવાયેલો રોબો જોકી ચાર ફૂટ ઉંચી વાડ પરથી પણ ઘોડાને છલાંગ લગાવડાવી શકે છે. ૧૬મી માર્ચે આ રોબોજોકીને ઘોડેસવારીની રેસમાં પ્રદર્શનની સાથે લોકો સાથે વાતચીત માટે મૂકવામાં આવ્યો હતો. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બિલ્ટ ઈન વોઈસ દ્વારા વાતચીત કરી શકે છે.
રૂબી વોલ્શ, એપી મેકકોય અને પોલ ટોનેન્ડ જેવા વિશ્વના શ્રેષ્ઠ જોકી સાથે સરખામણીમાં રોબો જોકી કેવો લાગે છે તે જોવા હાજર રહેલા બેટબ્રાઈટના ચેરમેન અને આઈરીશ રેસના ઘોડાના માલિક રીચ રીક્કીએ જણાવ્યું હતું કે માત્ર ત્રણ મહિનાના ગાળામાં ટીમે આ જોકી તૈયાર કર્યો તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.