પુષ્કર: રાજસ્થાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પુષ્કર મેળો યોજાયો છે. 20 નવેમ્બરથી શરૂ થયેલા અને એક આઠ દિવસ ચાલનારા આ જગવિખ્યાત પશુમેળામાં જાતભાતના પશુઓ રજૂ થયા છે, પણ એક અશ્વનું મૂલ્ય અદકેરું છે. આ ઘોડાની કિંમત સાત કરોડ રૂપિયા કરતાં પણ વધારે બતાવવામાં આવી છે. મતલબ કે, ઘોડો રોલ્સ રોય્સ કરતાં પણ મોંઘો છે. આમ છતાં પેરિસની બે મહિલાઓએ તો તેના માટે રૂ. 10 કરોડ આપવાની પણ તૈયારી દર્શાવી હતી, પણ માલિક યુવરાજ જાડેજાએ તે વેચવાનો ઇન્કાર કરી કરી દીધો છે.
આ ઘોડાને બિસ્લેરી બોટલનું પાણી પીવડાવવામાં આવે રહ્યું છે અને તેને એક જ વખતમાં દેશી ગાયનું પાંચ લિટર શેડકઢું દૂધ પીવડાવાય છે. આવું દૂધ તેને દિવસ દરમિયાન ત્રણ વખત પીવડાવાય છે. અને ભોજનમાં ગીરના ઘી સાથે ઉત્તમ ગુણવત્તાના ચણા - જુવાર - બાજરી વગેરે અપાય છે. આમ આ ઘોડાની જાળવણી પણ તેના મૂલ્ય જેટલી જ મોંઘેરી છે.
પુષ્કર મેળામાં આવેલો આ ઘોડો મારવાડી નસ્લનો અને ચાર વર્ષનો છે. ઘોડાના માલિક યુવરાજ જાડેજા તેને ભગવાનનું સ્વરૂપ માને છે. યુવરાજે ચાર લોકોને ઘોડાની સેવામાં રાખ્યા છે. ઘોડાની લંબાઈ 64 ઇંચથી પણ વધારે છે. તે જોવામાં એકદમ સુંદર અને આકર્ષક છે. તેને જોવા માટે મેળામાં પણ મોટી સંખ્યામાં ભીડ આવે છે. ઘણા દેશીવિદેશી પ્રવાસી તો તેની સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે.
યુવરાજને ‘કેસરિયા’ પ્રત્યે એટલી લાગણી છે કે તેણે આજ સુધી બીજા કોઈને તેના પર સવારી કરવા દીધી નથી. જાડેજાના જણાવ્યા મુજબ ‘કેસરિયા’ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં યોજાયેલી ૧૧ સ્પર્ધામાં ચેમ્પિયન રહી ચૂક્યો છે. યુવરાજ પાસે મારવાડી નસ્લના કુલ ૩૫ ઘોડા છે, પણ તેને ‘કેસરિયા’ માટે વિશેષ લગાવ છે. તેઓ ‘કેસરિયા’ને દેશી ગાયનું પાંચ લિટર દૂધ દિવસમાં ત્રણ વખત આપે છે. તેની સાથે મગફળી ચણા અપાય છે. વીઆઇપીની જેમ તેને બિસલેરી બોટલનું પાણી પીવડાવાય છે. તેની દરરોજે વેટરનરી તપાસ કરવામાં આવે છે. આમ એક વીઆઇપીની જેમ તેની દેખભાળ કરાય છે.