મોસ્કોઃ રશિયાની ટ્રાન્સ સાઈબિરિયન વિશ્વની સૌથી લાંબી રેલવે લાઈનનું બહુમાન ધરાવે છે. રશિયાના પૂર્વ છેડેથી ઉપડેલી ટ્રેનને પશ્ચિમ છેડા સુધી પહોંચતા સપ્તાહનો સમય લાગે છે. હવે આ લાઈનને લંબાવીને જપાનના ટોકિયોથી લંડન સાથે જોડવાનો પ્રસ્તાવ રશિયાએ મૂક્યો છે. પ્રસ્તાવ મંજૂર થયો તો ૧૩,૫૦૦ કિમીની લંબાઈ સાથે વિશ્વનો સૌથી લાંબો રેલવેરૂટ લંડનથી શરૂ થશે. રશિયા આ પ્રોજેક્ટ અંગે ગંભીર વિચારણા કરે છે. રશિયાના પૂર્વ છેડે જપાન છે. રશિયા-જપાન વચ્ચે દરિયો છે, પણ તેનું અંતર ૪૫ કિમી જ છે. આ ભાગમાં બ્રિજ બનાવી દેવાશે. બીજી તરફ રશિયાના પશ્ચિમ છેડે યુરોપના અનેક દેશો સાથે રેલવે જોડાણ છે જ.
બ્રિટન ટાપુ દેશ છે, પણ ફ્રાન્સ અને બ્રિટનને જોડતી ટનલ દ્વારા દરિયા નીચેથી રેલવે ચાલે જ છે. આથી મંજૂર મળશે તો એક પુલનું નિર્માણ કરવા સિવાય ખાસ કંઇ નવું કન્સ્ટ્રક્શન કરવાનું નથી.
રશિયન અધિકારીઓનું કહેવું છે કે અમે પ્રોજેક્ટની પ્રાથમિક તૈયારી કરી છે. જો જપાન સરકાર તૈયાર થશે તો આગળ વધશું. રશિયાના છેડે સખાલિન નામનો ટાપુ છે. રશિયાની મુખ્ય ભૂમિ અને તેની વચ્ચે પણ બ્રિજ કરવો પડે, જે ૪ બિલિયન પાઉન્ડના ખર્ચે તૈયાર થઈ શકે એમ છે.